ગુરુવાર, 3 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 5 ઑક્ટોબર 2012 (21:15 IST)

મહેંકી ઉઠી પ્રામાણિકતા, ગુમ થયેલ રૂ. ૮ કરોડનું સોનું ભરેલું પાર્સલ પરત કર્યુ

P.R
અમદાવાદના નારણપુરા શાસ્ત્રીનગર પાસે ગઇરાત્રે લ્યુમિનિયર સિક્યોર લોજીસ્ટીક કંપનીની સિક્યોરીટી વાનમાંથી અમદાવાદથી મુંબઇ લઇ જવાઇ રહેલું ૫૦૦ કિલો સોનાનું એક પાર્સલ પચ્ચીસ કિલોગ્રામ સોના સાથે ગુમ થઈ ગયું હતું. આ પાર્સલ આજે આ વિસ્તારમાં ગેરેજ ધરાવતા બે વ્યક્તિઓએ પોતાને મળ્યું હોવાનું જણાવીને પરત કરતાં પ્રામાણિકતાની મહેંક પ્રસરી છે.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસને આજે પ્રગતિનગર ગાર્ડન પાસે વરદાન ટાવરમાં ગેરેજ ધરાવતા અશ્વિનભાઈ અને અલ્પેશ ભાઈનો ફોન આવ્યો હતો. ફોન પર તેણે જણાવ્યું હતું કે, સોનાનું એ પાર્સલ તેમને બિનવારસી હાલતમાં મળ્યું છે. આ ફોનને પગલે પોલીસે તાત્કાલિક સ્થળ પર જઇને પાર્સલનો કબજો લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગેરેજ ચલાવતા બે વ્યક્તિઓએ રૂ. ૮ કરોડનું સોનું ભરેલું પાર્સલ પરત આપતાં લોકોમાં અને ખુદ પોલીસમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.

નોંધનીય છે કે, નારણપુરા શાસ્ત્રીનગર પાસે ગઇરાત્રે લ્યુમિનિયર સિક્યોર લોજીસ્ટીક કંપનીની સિક્યોરીટી વાનમાંથી અમદાવાદથી મુંબઇ ૫૦૦ કિલો સોનું લઇ જવામાં આવી રહ્યું હતું ત્યારે નવા વાડજથી શાસ્ત્રીનગર વચ્ચેના રસ્તા પર કંપનીના કર્મચારીની બેદરકારીને કારણે વાનમાં મુકેલા પાર્સલ પૈકી ૨૫ કિલો સોનું ભરેલું પાર્સલ ક્યાંક પડી જવાની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. ૨૫ કિલો સોનાની કિંમત રૂ. આઠ કરોડ જેટલી અંદાજવામાં આવી છે.