રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 8 જાન્યુઆરી 2024 (12:41 IST)

ગુજરાતમાં ઊભી થશે 1.70 લાખ રોજગારની તકો, 32 જિલ્લામાં 45 હજાર કરોડથી વધુના રોકાણ સાથે 2614 MoU થયા

ગુજરાતમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ યોજાવા જઇ રહ્યું છે. આ 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે 32 જિલ્લાઓમાં 2 ઓક્ટોબરથી ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન 45,603.71 કરોડના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુ થકી રાજ્યમાં 1,70,883 જેટલી સંભવિત રોજગારીઓ ઉત્પન્ન થશે. 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે ગુજરાતના તાપી જિલ્લાથી વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ, ક્રમવાર રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાજયના તમામ જિલ્લાઓમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમોનું અમલીકરણ જિલ્લા કક્ષાના સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે 2-3 દિવસના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ‘વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ’ (ODOP) હેઠળ દરેક જિલ્લામાંથી પસંદ થયેલી પ્રોડક્ટ્સનો પ્રચાર અને કરવામાં આવ્યો હતો અને તેમને અગ્રતા આપવામાં આવી હતી. આ ઉપરાંત, તેમાં સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ (FPOs), મહિલા ઉદ્યોગ સાહસિકો, ખાદી અને ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરેને પણ આ કાર્યક્રમોમાં સાંકળવામાં આવ્યા હતા.32 જિલ્લાઓમાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દરમિયાન આયોજિત થયેલા એક્ઝિબિશન્સમાં કુલ 996 સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દરમિયાન વિવિધ જિલ્લાઓના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે B2B, B2C અને B2G મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગો દરમિયાન જિલ્લાઓના ઉદ્યોગકારોએ સરકાર સાથે એમઓયુ સાઇન કર્યા હતા. આ ઉપરાંત, વિવિધ વિષયો પર સેમિનાર અને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.