1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (18:32 IST)

1414 કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં ક્રાઈમ બ્રાંચની સાથે ED અને IT તપાસમાં જોડાશે

ગુજરાતમાં સૌથી મોટો ક્રિકેટનો સટ્ટાનો અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સટ્ટામાં જેમાં 11 ડમી બેંક એકાઉન્ટમાં રૂપિયા 1414 કરોડની રકમ હવાલા દ્વારા સટ્ટાકિંગ રાકેશ રાજદેવે દુબઇ ટ્રાન્સફર કરી હતી. પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં આર.આર એટલે કે રાકેશ રાજદેવે માત્ર ગુજરાત જ નહી પણ અન્ય રાજ્યોમાં પણ પ્રોફેશનલ બુકીઓની ફૌજ ઉભી કરી હતી અને દુબઇમાં બેઠાબેઠા સટ્ટા બેટિંગનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું.

ક્રાઇમબ્રાંચે આ કેસમાં વિશેષ ટીમની બનાવીને તપાસ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે જેમાં રાકેશ રાજદેવે ગુજરાત અને અન્ય રાજ્યોમાં બુકીઓની ફૌજ ઉભી કરી હતી. જેમના દ્વારા તે હજારો કરોડનો સટ્ટો બુક કરતો હતો. સુત્રોના જણાવ્યા મુજબ 1414 કરોડની માતબર રકમ તો સટ્ટા બેટિંગની કુલ રકમનો ભાગ હતો. રાકેશ રાજદેવે આ રકમ પોતાના પાસે ટ્રાન્સફર કરતા પહેલા ગુજરાતના બુકીઓ અને સટ્ટોડિયાઓને પણ ત્રણ હજાર કરોડનું ચુકવણુ કર્યું હતું. તેણે માત્ર અમદાવાદ જ નહી , પણ રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીધામ જેવા શહેરોમાં પણ નેટવર્ક ફેલાવ્યું હતું. જેથી ગુજરાતમાં સટ્ટા બેટિંગનો આંક વધી શકે છે.આ તપાસમાં ક્રાઇમબ્રાંચની સાથે સાયબર ક્રાઇમની ટીમ, ફોરેન્સીક સાયન્સની અને ઇડી તેમજ ઇન્કમટેક્ષની ટીમ પણ આગામી સમયમાં જોડાઇને તપાસ કરશે. ક્રાઈમ બ્રાંચના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આખા રેકેટમાં આર.આર.એ ઓન વોલ્સ 777 નામની એપ બનાવડાવી હતી.

જુદા જુદા બુકીઓ પાસેથી ડિપોઝિટ લઈ આર.આર. આ એપનું આઈડી અને પાસવર્ડ આપતો હતો, જેના પર બુકીઓ ઓનલાઇન સટ્ટો રમતા હતા. જ્યારે આ એપમાં લોગ ઇન કરનારા બુકીઓ પાસેથી પૈસા જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. તે તમામ બેંક ખાતાં એકાઉન્ટ ડમી હતાં.જે પણ બુકી સટ્ટો રમવા માગતો હોય તેને યુઝર આઈડી અને પાસવર્ડ આપી આર.આર. સટ્ટો રમાડતો હતો. જોકે આ એપની પણ સાઇબર ક્રાઈમ અને એફએસએલના નિષ્ણાતોએ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.