બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2023 (14:48 IST)

ગુજરાતમાં શિક્ષણ સહાય યોજના હેઠળ 2.81 લાખ વિદ્યાર્થીઓને 160 કરોડની શિષ્યવૃત્તિ અપાઈ

scholarships
“શિક્ષણ સહાય યોજના” હેઠળ શ્રમિક પરિવારના બાળકોને અભ્યાસ માટે નાણાંકિય સહાય પુરી પડાય છે
 
વર્ષ 2022-23માં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓને 42.45 કરોડ રૂપિયાની સહાય અપાઈ 
 
Education Assistance Scheme ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અને સાક્ષરતા દર સતત વધી રહ્યો છે. જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવે છે. રાજ્યના શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અમલમાં મૂકી ત્યારથી લઇ 30 જૂન 2023 સુધીમાં કુલ 280906 લાભાર્થી બાળકોને 160 કરોડથી સહાય આપવામાં આવી છે.
 
બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના
ગત વર્ષ 2022-23 દરમિયાન જ રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક પરિવારના 50299 બાળકોને 42.45 કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા બાળકોને 1800 ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતાં બાળકોને 2400, ધોરણ 9 અને10 ના વિદ્યાર્થીઓને 8000, ધોરણ 11અને 12ના વિદ્યાર્થીઓને 10000સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 12 પછીના બી.એ, બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., એલ.એલ.બી. જેવા સરકાર માન્ય કે સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ 10000ની સહાય આપવામાં આવે છે.
 
મહત્તમ બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે
સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણ માટે એમ.એ., એમ.કોમ.,એમ.એસ.સી., એમ.એસ.ડબ્લયુ. અને એમ.એલ.ડબલ્યુ જેવા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે 15000, જ્યારે એમ.સી.એ. અને એમ.બી.એ. જેવા કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સિવાય ધોરણ 10 પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે પણ 25000ની સહાય આપવામાં આવે છે. એમ.બી.બી.એસ., એમ.ડી. અને ડેન્ટલ જેવા મેડીકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ માટે લઘુત્તમ 25000 અને મહત્તમ બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
 
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત
આ ઉપરાંત ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, આર્કીટેકચર, ઈજનેરી અને ટેકનોલોજી  જેવા પ્રોફેશનલ કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લઘુત્તમ 25000 અને મહત્તમ 50000 સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરીયાતમંદ બાંધકામ શ્રમિકના બાળકોના કારકિર્દી ઘડતર માટે આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’માં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના મહત્તમ બે બાળકોને જ આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.