વૃદ્ધને વીડિયો કોલ કરીને વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવી 2.69 કરોડ રૂપિયા પડાવી લીધા
ગુજરાતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. લોકો એક લિંક પર ક્લિક કરીને લાખો રૂપિયા ગુમાવી રહ્યાં છે. ત્યારે લોકો પાસેથી રૂપિયા પડાવવા છતરપિંડી કરનારાઓએ નવી પદ્ધતિ અપનાવી છે. વોટ્સએપ પર મેસેજ કરીને વાતચીત કરવી અને પોતાની ઓળખ તે વ્યક્તિના આસપાસના ગામની આપવી. ત્યાર બાદ વીડિયો કોલ કરીને વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવીને એજ કોલની વીડિયો ક્લીપ વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયાની માંગ કરવી. આવો જ એક કેસ અમદાવાદમાં નોંધાયો છે.
શહેરના એક બિઝનેસ મેનને વીડિયો કોલ પર વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવીને તે વીડિયો ક્લીપ વાયરલ કરવાની ધમકી આપીને 2.69 કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનને રાતના સમયે કોઈ યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે મોરબીથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ બિઝનેસમેને તેની સાથે વાત કરતાં જ તેઓ યુવતીની જાળમાં ફસાઈ ગયાં હતાં. યુવતીએ વીડિયો કોલ કરીને નગ્ન અવસ્થામાં બિઝનેસમેન સાથે વાત કરી હતી. આ સમયે તેણે બિઝનેસમેનના પણ કપડા કઢાવી નાંખ્યા હતાં. એક મીનિટ સુધી ચાલેલા આ કોલની વીડિયો ક્લીપ યુવતીએ બિઝનેસમેનને મોકલીને વાયરલ કરવાની ધમકી આપી હતી અને 50 હજાર રૂપિયા માંગ્યા હતાં. જેથી બિઝનેસમેને સમાજમાં ઈજ્જત જવાના ડરથી 50 હજાર રૂપિયા યુવતીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં હતાં. તે ઉપરાંત ધરપકડ કરીને વીડિયો વાયરલ કરવાની પણ ધમકીઓ આપવામાં આવતી હતી.
ઠગોએ આ બિઝનેસમેનને એટલી હદે ડરાવી દીધા હતાં કે તેઓ દરેક ફોન કોલ બાદ રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હતાં. આ બિઝનેસમેન કંઈક સમજે ત્યાં સુધીમાં દિલ્હી સાયબર ક્રાઈમના પોલીસ ઈન્સપેક્ટર ગોસ્વામીની ઓળખ આપવામાં આવી. આ ફોનમાં સામે વાળાએ એવું કહ્યું કે, યુવતી જેની સાથે તમે વીડિયો કોલ પર વાત કરી છે તેણે આત્મહત્યા કરવાની કોશિષ કરી છે. તેને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ યુવતીએ આત્મહત્યા કરવા પાછળ તમારૂ નામ આગળ ધર્યું છે. તમે આ કેસમાંથી બહાર નીકળવા માંગતાં હોય તો રૂપિયા ટ્રાન્સફર કરી દો નહીં તો તમારી સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવી પડશે. તેમ કહીને ફરિયાદી બિઝનેસમેન પાસેથી 80 લાખ 77 હજાર રૂપિયા ખંખેરી લીધા હતાં. ત્યાર બાદ અલગ અલગ પ્રકારના પોલીસ અધિકારીઓ અને સીબીઆઈ તથા સાયબર ક્રાઈમ સહિતના વિભાગોના અધિકારીઓની ઓળખ આપીને 2.69 કરોડ ખંખેરી લેવામાં આવ્યા હતાં.
એક પછી એક ફોન આવતાં અને લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતાં. ઘણી વખત યુવતીએ આપઘાત કરવાની કોશિશ કરી અને તેના પરિવારજનોને રૂપિયા નથી મળ્યા જેવા બહાના બનાવીને પણ રૂપિયા પડાવવામાં આવ્યા હતાં. આખરે કંટાળીને આ બિઝનેસમેને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.