ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ
Canada accident - કૅનેડામાં ટૅસ્લા ગાડીનો અકસ્માત, બે ગુજરાતી સહિત 4નાં મૃત્યુ
કૅનેડાના ટૉરેન્ટોમાં ટૅસ્લા ગાડીને માર્ગ અકસ્માત નડ્યો હતો, જેમાં ગુજરાતી ભાઈ-બહેન સહિત ચાર લોકો મૃત્યુ પામ્યાં છે, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે.
ફ્રિ પ્રૅસ જર્નલના રિપૉર્ટ પ્રમાણે, મૃતકોમાં ગુજરાતનાં કેતાબા તથા નીલ ગોહિલનો સમાવેશ થાય છે. તેમની સાથે જયરાજસિંહ સિસોદિયા તથા દિગ્વિજય પટેલ નામના અન્ય બે લોકો પણ સવાર હતા.
પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, ગાડીએ પહેલાં રૅલિંગ તોડી હતી અને એ પછી પિલર સાથે ટકરાઈ હતી. એ પછી ગાડીમાં આગ ફાટી નીકળી હતી.
આ પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, આ આગ લગભગ 30 ફૂટ ઊંચે ઉડી હતી અને તે નદી પારથી પણ દેખાતી હતી. પોલીસે અકસ્માતને કારણે ટ્રાફિકને અટકાવવો પડ્યો હતો.
પોલીસ અધિકારી ફિલિપ સિનક્લૅયરના કહેવા પ્રમાણે, પ્રથમ દર્શીય ઓવરસ્પિડિંગને કારણે અકસ્માત થયો એમ જણાય છે.
અકસ્માત બાદ એક વાહનચાલકે જીવના જોખમે ગાડીમાં સારવાર મહિલાને બહાર કાઢી હતી, જેને હૉસ્પિટલે ખસેડાઈ હતી. તેને ખાસ ઈજા ન થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.
ટૅસ્લાની જે ગાડીનો અકસ્માત થયો, તે સૅલ્ફ-ડ્રાઇવિંગ હતી કે કેમ, તેના વિશે સ્પષ્ટતા નથી થઈ. છતાં ઇલૅક્ટ્રિક ગાડીઓમાં બૅટરીને કારણે આગ લાગવાની ઘટનાને પગલે અમુક લોકો વધુ સાવધાનીની માગ કરી રહ્યા છે.
ગોધરાથી કેતાબાની ઉંમર 30 વર્ષ અને નીલરાજ ગોહિલની ઉંમર 26 વર્ષ હતી.
કેતાબા છ વર્ષ પહેલાં ટૉરેન્ટો ગયાં હતાં અને લૅબ ટેક્નિશિયન તરીકે કામ કરતાં હતાં, જ્યારે નીલરાજ દસેક મહિના પહેલાં ગયા હતા. નિલરાજ બ્રામ્પટનમાં રહેતા અને ભણવાની સાથે કામ પણ કરતા હતા.
જમીને તેઓ મિત્રો સાથે ફરવા નીકળ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં ઝલક પટેલ નામનાં સવારનો બચાવ થવા પામ્યો હતો.