વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં સાતમા માળેથી નીચે પટકાતા બાળકનું મોત
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં બે વર્ષના માસુમ બાળકનું સાતમા માળેથી પટકાતા મોત નિપજ્યું છે.હાઉસ કીપિંગનુ કામ કરતી માતા બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી. બે વર્ષનું માસૂમ બાળક 7મા માળે ગેલેરીમાં રમતું હતું અને માતા કામ કરી રહી હતી. તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું હતું.આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
સાતમા માળેથી નીચે પટકાતા બાળકનું મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે વરાછા રોડ ખાતે રહેતા નવનીત કલસરિયા હીરા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્ની રેશ્મા દીકરા ભવ્ય સાથે પાલ ખાતે રહેતા માતા-પિતાના ઘરે ગઈ હતી. રેશ્મા પાલ વિસ્તારમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં કામ કરવા ગઈ હતી. સીસીટીવી પ્રમાણે શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગના 7મા માળે અગાસીમાં બાળક રમી રહ્યું હતું.બાળકે બે હાથે પકડેલી રેલિંગ પરથી જોતજોતામાં જ તેના હાથ છૂટી જાય છે અને 7મા માળેથી નીચે પટકાય છે. બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.તબીબોએ બાળકના મૃત જાહેર કર્યો હતો.પાલ પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.