રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (15:07 IST)

લોકમિત્ર બનવાની વાતો વચ્ચે પોલીસ કર્મીઓ કેમ લોકો પર લાકડીઓ ઉગામી રહ્યાં છે?

લોકો સાથે મિત્રતાની વાત કરતી પોલીસના વર્તનથી લોકોમાં અંદરખાને રોષ ભભૂકી રહ્યો છે. અમદાવાદમાં ઈસરો પાસે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસ કર્મીઓ સાથે એક યુવાનની બોલાચાલી થઈ હતી ત્યારે ત્યાં હાજર પોલીસ કર્મીઓ એક યુવાન પર મારામારી પર ઉતરી આવ્યાં હતાં. તો બીજી બાજુ ગુરૂવારે રાત્રે સિટી પોલીસ મથકના કોન્સ્ટેબલે માંડવી રોડ ઉપર પી.આઇ.ની હાજરીમાં ખાણી-પીણી વેચતા અને સ્થાનિક લોકો ઉપર લાઠીચાર્જ કરતા દોડધામ મચી ગઇ હતી. પોલીસના વર્તન સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેથી ઇન્ચાર્જ પી.આઇ.એ માફી માંગીને મામલો થાળે પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણએ ગુરૂવારે રાત્રે સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. એસ.બી. નિનામા સ્ટાફ સાથે માંડવી રોડ ઉપર ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવા માટે નીકળ્યા હતા. પી.આઇ. ગાડીમાં બેઠા હતા. અને ગાડીનો ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ નીચે ઉતરીને લાકડી પછાડી પાપડીનો લોટ, ખીચુ, ચોરાફળી, પાન-પડીકી, જેવી વિવિધ ચિજવસ્તુઓનું વેચાણ કરનારાઓને અપશબ્દો બોલીને બંધ કરાવી રહ્યા હતા.
ડંડો પછાડતા અને અપશબ્દો બોલતા રોડ પર દોડેલા પોલીસને જોઇ લોકોએ પણ દોડધામ કરી મૂકી હતી. પોલીસ જવાન વિક્રમભાઇએ ડંડો પછાડીને ડરનો હાઉ ઉભો કરવાના બદલે હાથમાં આવી ગયેલા લોકો ઉપર લાઠીચાર્જ કરતા લોકો રોષે ભરાયા હતા. પોલીસ જવાને લાઠી ચાર્જ કરતા જ ટોળુ એકઠું થઇ ગયું હતું. લોકો એકઠા થતાં જ ગાડીમાં બેસી રહેલા પી.આઇ. પરિસ્થીતી જોઇ ગાડીમાંથી બહાર આવ્યા હતા. બીજી બાજુ લોકોનું ટોળુ મોટુ એકઠુ થતા ગભરાઇ ગયેલા પોલીસ જવાન વિક્રમભાઇ પસાર થઇ રહેલી ઓટો રિક્ષામાં બેસી સ્થળ પરથી રવાના થઇ ગયો હતો. પોલીસ જવાન રવાના થઇ જતા લોકોએ ગાડીમાં બેસી રહેલા ઇન્ચાર્જ પી.આઇ. એસ.બી. નિનામાનો ઘેરાવ કર્યો હતો. અને પોલીસ કોન્સ્ટેબલે કરેલા વર્તન સામે રોષ ઠાલવ્યો હતો. તમામ લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા. 
એક બાજુ ટ્રાફિક ડ્રાઈવમાં લોકો પોલીસને સાથ સહકાર આપી રહ્યાં છે. તો બીજી બાજુ પોલીસ પોતાના દંડાનો ઉપયોગ કરીને લોકોને કાયદાનો ડર બતાવી રહી છે. લોકો પર હાથ ઉપાડવાનો અધિકાર પોલીસને કેવી રીતે મળ્યો અને જાહેર સ્થળ પર ગંદી ગાળો બોલીને લાકડી ઉગામવાનો અધિકાર પણ મંજુરી વિના પોલીસ પાસે નથી. આવા બનાવો અંગે લોકો પોલીસ પર રોષે ભરાયાં છે અને સરકાર પર પણ લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે.