અમદાવાદમાં જાહેરમાં થૂંકતા પહેલા વિચારજો, અત્યાર સુધી 412 લોકો ઝડપાયા
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાની ઝૂંબેશ વધુ જોરશોરથી આરંભાઇ છે. જેમાં ૧૨ મે સુધીના છેલ્લા અઠવાડીયામાં જાહેરમાં લઘુશંકા કરતા, થૂંકતા, કચરો ફેંકતા અને પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનારાઓ સહિતના કુલ ૨,૬૪૦ જણાને નોટિસ ફટકારાઇ છે. જેમાં ૧૨,૫૪,૧૫૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેરમાં લઘુશંકા કરતા ૧૩૭ જણાને તેમજ થૂંકતા ૪૧૨ લોકોને દંડવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૫૯ જણા જાહેરમાં લઘુશંકા કરતા છેલ્લા અઠવાડીયામાં ઝડપાયા છે. જેઓ પાસેથી ૫,૪૫૦ નો દંડ વસુલાયો હતો. શહેરમાં આ મામલે કુલ ૧૩૭ લોકોને નોટિસ આપીને ૧૧,૩૫૦ રૃપિયા દંડ પેટે વસુલાયા હતા.
બીજી તરફ જાહેરમાં થૂંકવાની બાબતમાં પણ પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ ૧૧૯ કેસો સામે આવ્યા છે. જેમાં ૧૧,૫૫૦ નો દંડ કરાયો હતો. કુલ ૪૧૨ લોકોને જાહેરમાં થૂંકવા બાબતે દંડીને તેઓની પાસેથી ૪૮,૭૦૦ રૃપિયા દંડપેટે વસુલાયા હતા.
શહેરમાંથી પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ૨૨૪ કિલો જેટલો જથ્થો ઝડપાયો હતો. જેમાં ૧,૦૦૦ નોટિસ ઇશ્યુ કરીને ૫,૯૫,૨૫૦ રૃપિયાનો દંડ વસુલાયો હતો. જેાહેરમાં કચરો ફેંકવાના ૧,૦૯૧ કેસોમાં ૫,૯૮,૮૫૦ નો દંડ કરાયો હતો. ઇ-મેમોની સાત દિવસની સમય-મર્યાદામાં દંડ ન ભરી જનારા ૧૧૨ લોકોના ઘરે જઇને જે તે ઝોનના સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ૧૧,૨૦૦ની વસુલાત કરાઇ હતી. ચાલુ વર્ષે ૧ જાન્યુઆરીથી આજદીન સુધીમાં ૨૮,૯૬૪ લોકોને નોટિસ આપીને તેઓને પાસેથી ૧.૮૫ કરોડનો વહિવટી ચાર્જ વસુલાયો છે.