ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (08:41 IST)

જામનગરમાં ઇમર્જન્સી લૅન્ડ થયેલી ફ્લાઇટની સઘન તપાસ ચાલુ

flights
જામનગરના ઍરપોર્ટ પર સોમવારે એક ફ્લાઇટનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
 
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, સુરક્ષા દળે મંગળવારે મૉસ્કો-ગોવા ફ્લાઇટના તમામ મુસાફરોની સઘન તપાસ ચાલું કરી છે.
 
જિલ્લા કન્ટ્રોલ રૂમ સાથે કરેલી વાત અનુસાર, આ વાતની પુષ્ટિ કરાઈ હતી અને પોલીસ સહિતની વિવિધ ટીમો વિશેષ તપાસ અર્થે ઍરપોર્ટ જવા રવાના થઈ હતી અને તપાસ કરી રહી હતી.
 
પ્રાપ્ત સમાચારો અનુસાર, આ ફ્લાઇટ મૉસ્કોથી ગોવા જઈ રહી હતી.
 
જામનગરના કલેક્ટર ડૉ. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, “9મી જાન્યુઆરીએ રાત્રે 11.20 વાગ્યે મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની જાણકારી મળતા જામનગર ઍરપોર્ટ ખાતે ડાઇવર્ટ કરવામાં આવી હતી.”
 
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ફ્લાઇટમાં બેઠેલા 236 મુસાફરો અને 8 ક્રૂ સાથે 244 મુસાફરોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.તમામ મુસાફરો ઍરપોર્ટ લોન્જમાં પ્રતિક્ષારત છે. બૉમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝલની કામગીરી હાથ ધરાઈ હતી.”
 
તેઓએ એએનઆઇ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓ મુસાફરોની વિગતો પણ તપાસી રહી છે. તમામ મુસાફરોનું સામાન્ય સ્કેનિંગ કરીને ચેકિંગ પણ કરવામાં આવે છે. નવ કલાકથી સતત તપાસ ચાલી રહી છે. મુસાફરોના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
 
ગોવાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિમાન ડૅબોલિમ ઍરપોર્ટ પર લૅન્ડ થવાનું હતું. સાવચેતીના પગલારૂપે આ ઍરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.”
 
ન્યુ દિલ્હીમાં રશિયા દૂતાવાસના એક અધિકારીએ કહ્યું હતું કે, “ભારતીય અધિકારીઓ દ્વારા એ સૂચિત કરવામાં આવ્યું હતું કે, મૉસ્કોથી ગોવા જઈ રહેલી અઝુર ઍરની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળ્યાની માહિતી મળી હતી. એરક્રાફ્ટને જામનગરના ઍરફોર્સ ઍરબેઝ પર લૅન્ડ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે.”
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ફ્લાઇટ મૉસ્કોથી ગોવા આવી રહી હતી, જેમાં બૉમ્બ હોવાની ધમકીને પગલે જામનગરમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. ગોવા ઍર ટ્રાફિક કંટ્રોલને ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી.
હાલમાં વિમાન જામનગર ઍરપૉર્ટ પર છે અને એની તપાસ કરાઈ રહી છે.
 
જામનગર ઍરપૉર્ટના ડિરેક્ટરને ટાંકીને એએનઆઈ જણાવ્યું હતું કે, વિમાનમાં સવાર તમામ 244 મુસાફરોને સુરક્ષિત ઉતારી લેવાયા છે. વિમાનનું 9:49 વાગ્યે ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.
 
જામનગરના એસ.પી.એ ન્યૂઝ ચેનલ 'આજતક' સાથે કરેલી વાતચીત અનુસાર, ડરનું કોઈ કારણ નથી. વિમાનમાં બૉમ્બ હોવાની સૂચના મળી હતી અને એટલે વિમાનનું ઇમરજન્સી લૅન્ડિંગ કરાવાયું હતું. તમામ મુસાફરો ઍરપૉર્ટ પર હાજર છે.