અમદાવાદમાં 84 જેટલી ચેક પોસ્ટ ઊભી કરાઇ, પોલીસની 18 ટીમો ફરાર આરોપીઓને શોધશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા સચવાય તથા આદર્શ આચારસંહિતાનો ભંગ ના થાય તે હેતુથી પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેરમાં ચૂંટણી સંદર્ભે 84 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. શહેરમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
નવા આરોપીઓને પકડવા માટે 18 ટીમો તૈયાર
અમદાવાદમાં ડીસીપી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કોમલબેન વ્યાસે જણાવ્યું હતું કે, શહેરમાં ચૂંટણી સંદર્ભે 84 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. શહેર પોલીસે અત્યાર સુધીમાં નાસતા ફરતા કુલ 71 આરોપીઓને ઝડપી પાડ્યાં છે. હજુ નવા આરોપીઓને પકડવા માટે આજથી પોલીસની વધુ 18 ટીમો તૈયાર કરવામાં આવી છે. અલગ અલગ રાજ્યોમાં સંતાઈ ગયેલા આરોપીઓને પકડવામાં આવશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં જઈ પોલીસ કામગીરી કરશે.
શહેરમાંથી 4002 હથિયારો જમા લેવાયા
ચૂંટણી જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા લાગુ થઈ જાય છે. ત્યારે લાયસન્સવાળા હથિયાર જમા કરાવવા માટેની તજવીજ હાથ ધરાય છે. શહેરમાં કુલ 5134 લાયસન્સ વાળા હથિયારો છે. જેમાંથી 4002 હથિયારો જમા લેવાયા છે અને 1018 હથિયારોને મુક્તિ આપવામાં આવી છે. જ્યારે 19 હથિયારો હજી જમા લેવાના બાકી છે. છેલ્લા એક મહિનામાં શહેરમાંથી બે લાખની કિમતનો 12718 લિટર દેશી દારૂ અને 17850 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.