બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જૂન 2018 (11:41 IST)

ભાજપને જૂથવાદ,એન્ટીઇન્કમ્બન્સી નડવાની દહેશતને લીધે લોકસભાની બેઠક દીઠ ચૂંટણીલક્ષી એનાલિસિસ શરૃ

લોકસભાની ચૂંટણીઓને આડે એકાદ વર્ષની વાર છે તેમ છતાંય ભાજપે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતની લોકસભાની બેઠક દીઠ શુ વર્તમાન પરિસ્થિતી છે તેનુ એનાલિસિસ શરુ કરી દેવાયુ છે. જોકે,ભાજપના નેતાઓ જ આ વાતને સ્વિકારી રહ્યાં છેકે, આ વખતે ભાજપને આંતરિક જૂથવાદ જ નહીં,એન્ટીઇન્કમ્બન્સી નડી શકે છે. આ કારણોસર ભાજપે અત્યારથી નબળી કહી શકાય તેવી દસેક બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરવા રણનીતિ ઘડી છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જાળવવી ભાજપ માટે અઘરું છે. કોંગ્રેસ માટે તો વકરો એટલો નફો જેવી સ્થિતી છે.ગુજરાતમાં આ વખતે ભાજપના નેતાઓના માથે ઠીકરું ફુટવાનુ નક્કી છે. બીજુ બાજુ,ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. આ ઉપરાંત ખેડૂતો,દલિતો,પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠા છે.મોંઘવારી સહિતના પ્રશ્નોથી આમજનતા ય ભાજપથી ખફા છે. આ સંજોગોમાં એન્ટીઇન્ક્મબન્સી પણ ભાજપ માટે રાજકીય મુસીબત ઉભી કરશે. સૂત્રો કહે છેકે, અમરેલી,સુરેન્દ્રનગર, આણંદ, બ.કાં,સા. કાં, જૂનાગઢ, મહેસાણા, ભરુચ,પાટણ,આણંદ બેઠકો પર આ વખતે ભાજપને જીતવી મુશ્કેલ છે. વિધાનસભાની બેઠકો જોતા આ બેઠકો પર કોંગ્રેસનું પલ્લુ ભારી છે. આ કારણોસર ભાજપને આ દસેક નબળી બેઠકો પર અત્યારથી જ ધ્યાન કેન્દ્રીય કરી અધિકારીઓને ય પ્રજાલક્ષી કામો ઝડપી કરવા સૂચનાઓ આપી છે. સાંસદો-ધારાસભ્યોને પોતાના જ મત વિસ્તારમાં રહીને લોકોના કામો કરવા જણાવાયુ છે.  છેલ્લા કેટલાંય વખતથી ભાજપના વયોવૃધ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભાજપે જાણે હાંસિયામાં ધકેલી દીધા છે.ભાજપના આંતરિક સૂત્રો જણાવે છેકે, આ વખતે લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે નહીં.આ વખતે અડવાણીના પુત્રીને ભાજપ મેદાનમાં ઉતારવા માંગે છે. નારાજ અડવાણીની સહાનુભૂતિ જીતવા ભાજપે આ રણનીતિ ઘડી છે.અડવાણી આ બેઠક પર ચૂંટણી લડવા માંગતા નથી જેથી તેમને મનાવવાનો ય પ્રયાસ થઇ રહ્યો છે.  ભાજપના સાંસદોની કામગીરીથી મત વિસ્તારની જનતા નાખુશ છે તેવી વ્યાપક ફરિયાદો હાઇકમાન્ડ સુધી પહોંચી છે. ભાજપના આંતરિક સર્વેમાં ય આ વાત ખુલીને બહાર આવી છે. આ સંજોગોમાં આ વખતે ૫૦ ટકા સાંસદો રિપિટ નહી થાય.બલ્કે નવા ચહેરાને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારશે. જોકે,ભાજપે અત્યારથી જ અંદરખાને નવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે.લોકસભાની કઇ બઠક પર કયા સ્થાનિક,રાજકીય સમીકરણ આધારે ટિકિટ આપવી તેની અત્યારથી જ મથામણ કરવામાં આવી રહી છે.  અત્યારે રુપાણી સરકારનુ વિસ્તરણ થાય તેવી કોઇ સ્થિતી નથી.કર્ણાટકની પ્રવાહી રાજકીય પરિસ્થિતી પહેલાં ગુજરાતમાં વિસ્તરણની અફવા ફેલાઇ હતી. સૂત્રો કહે છેકે,આંતરિક જૂથવાદ ઉપરાંત ધારાસભ્યોની અસંતોષની જવાળાને લીધે શક્ય થશે તો લોકસભાની ચૂંટણી વખતે વિસ્તરણ થઇ શકે છે.આ શક્યતાને પગલે દાવેદાર ગણાતા ધારાસભ્યોને વિસ્તરણનુ ગાજર દેખાડીને અત્યારે ચૂંટણીના કામે લાગી જવા સૂચના આપી દેવાઇ છે.