મને કોઈ તકલીફ નથી અને હું કોઈનાથી નારાજ નથી: આનંદીબેન પટેલ  
                                       
                  
				  				   
				   
                  				  ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીની ૧૮૨ બેઠકો પૈકી ૭૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ નારાજ હોવાની અટકળો વહેતી થઈ હતી. જોકે આનંદીબેન પટેલે કોઈથી નારાજ નહીં હોવાનું જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાજપના નેતાઓની બેઠક મળી હતી.
				  										
							
																							
									  આ બેઠકમાં આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં નહીં હોવાનું જાણવા મળે છે. દરમિયાન ૭૦ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ આનંદીબેન પણ નારાજ હોવાની અટકળો વહેતી થઈ હતી. આ અંગે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ભાજપની પાલામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમાં લંબાણપૂર્વકની ચર્ચાના અંતે ઉમેદવારોની પસંદગી થાય છે. પાર્લામેન્ટ્રી બોર્ડની અઢી કલાક બેઠક મળી હતી. જેમાં ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા થઈ હતી. મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, સંગઠન મંત્રી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં હાજર થયા હતા. આગામી ૨૫ કે ૨૬મી નવેમ્બરે તમામ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવશે. પ્રથમ તબક્કાની ચૂંટણીના તમામ ઉમેદવારોની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ હોવાથી ભાજપના કાર્યકરોમાં થનગનાટ છે. પેજ પ્રમુખો બનાવાયા છે તેઓ ઘરે-ઘરે જઈને પ્રચાર કરી રહ્યાં છે. ભાજપ વિકાસના મુદ્દા ઉપર વિધાનસભાની ચાર ચૂંટણી લડી હતી અને આ ચૂંટણી પણ વિકાસના મુદ્દા ઉપર જ લડવામાં આવશે. અન્ય કોઈ પાર્ટી વિકાસના મુદ્દો લઈ પ્રચાર કરવા ઊતરતી નથી.