શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (12:12 IST)

આનંદીબેન પટેલનો પત્ર કેમ લીક થયો ?

ચૂંટણી આડે હવે માંડ પૂરા બે મહિના પણ રહ્યા નથી ત્યાં જ ફરીથી ભાજપમાં ભડકો થયો છે. આનંદીબહેન પટેલે ૪થી ઓકટોબરે અમિત શાહને લખેલો પત્ર ૯મીએ કેવી રીતે લીક થયો એ પ્રશ્ન ખુબ જ મોટો છે. આનંદીબહેનનાં સમર્થકો દ્રઢપણે માને છે અને કહે છે કે પોતાના પુત્ર જય શાહનું કૌભાં દબાવવા માટે જ અમિત શાહે આ પત્ર લીક કરાવ્યો છે. પત્ર લીક થયા બાદ ગાંધીનગરમાં આવેલા આનંદીબહેનનાં બંગલે તેના સમર્થકો મોટી સંખ્યામાં આવી ગયા હતા.

તેઓ ખુબ જ ગુસ્સામાં હતા. તેમજ આ ટોળુ એક તબક્કે પાઠ ભણાવવાનાં હેતુથી અને ઘાટલોડીયામાંથી બહેનને જ ટિકિટ મળવી જોઈએ તેવી માગણી સાથે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જવાનું હતું. પણ છેલ્લી ઘડીએ આનંદીબહેને બધાને સમજાવી લેતા મામલો શાંત થયો હતો. જય અમિત શાહની કંપનીનું પ્રકરણ બહાર આવ્યું તેમાં અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન મોદી પર પણ માછલા ધોવાનું શરૃ થયું છે. પારદર્શક અને ભ્રષ્ટાચારયુક્ત વહીવટની ગૂલબાંગો વચ્ચે જયની કંપનીનો રોકેટ ગતિથી વિકાસ થયો તે જાણીને સમગ્ર દેશ ચોંકી ઊઠયો છે. કાર્યકરો કહે છે કે પાટીદારોનાં આંદોલન બાદ સરકારની નીતિને કારણે પાટીદારો ભાજપની વિરુદ્ધ થઇ ગયા હતા. પરંતુ હવે આનંદીબહેનને ફરીથી પક્ષમાંથી કાયમી માટે હાંકી કાઢવાની પેરવી થતા મોટા ભાગના પાટીદારો ભાજપ વિરોધી થઇ જશે. જેની સીધી અસર ચૂંટણી પર થશે એ નિશ્ચિત છે.