ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 જૂન 2022 (13:19 IST)

અમદાવાદના વસ્ત્રાલમાં મોર્નિંગ વોકમાં નીકળેલા વ્યક્તિને બોલેરો ગાડીએ ટક્કર મારી, ઘટના સ્થળે મોત નીપજ્યું

hit and run
અમદાવાદ શહેરમાં દિવસે દિવસ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હીટ એન્ડ રનના કેસનો આંકડો પણ હદ વટાવી રહ્યો છે. શહેરમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા વ્યક્તિને બોલેરો ગાડીના ડ્રાઈવરે અડફેટે લીધા હતાં. ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનામાં બેફામ ગાડી હંકારતા બોલેરોના ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ વિસ્તારમાં શુક્રવારે સવારે 6 વાગ્યાના અરસામાં કેનારા બેંક થી થોડા આગળ શૈલેષ પ્રજાપતિ નામના વ્યક્તિ મોર્નિંગ વોક પર જતાં હતાં. આ દરમિયાન પાછળથી પુરપાટ આવી રહેલી બોલેરો કારના ડ્રાઈવરે તેમને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં શૈલેષ પ્રજાપતિનું ગંભીર ઈજા થવાને કારણે અવસાન થયું હતું. ડ્રાઈવર આ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. આ વિસ્તારની જનતાએ બેફામ વાહન હંકારતા ડ્રાઈવરને પકડીને તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. બેફામ ગાડી હંકારતા વાહન ચાલકો સામે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે. વારંવાર થતા અકસ્માતને લઈને લોકો પરેશાન છે અને સાથે જ આ માટે ખાસ પગલા લેવાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરતા જોવા મળે છે. અવારનવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓમાં નિર્દોષ લોકોના મોત થવાના કારણે હવે લોકોમાં પણ રોષ ફેલાયો છે. હાલમાં આ ઘટનામાં બેફામ ગાડી હંકારતા કાર ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.