ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (12:51 IST)

Boycott NRC CAA- ગુજરાતના આ ધારાસભ્ય લોહીથી લખેલું પોસ્ટર લઈને પહોંચ્યા વિધાનસભા

આજે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળવાનું છે જેમાં બીજેપી સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવશે. માનવામાં આવે છે કે આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકારને ઘેરી લેશે. આ સંજોગોમાં વિધાનસભાનું એક દિવસીય સત્ર તોફાની બને એવી પ્રબળ શક્યતા છે. આ સત્રમાં હાજરી આપતી વખતે જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ CAAનો વિરોધ કરવા અનોખી રીત અપનાવી છે અને તેઓ લોહીથી લખેલું પોસ્ટર લઇ વિધાનસભા પહોંચ્યા છે. તેમના આ પગલાથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચાયું છે. વિધાનસભાના એક દિવસના સત્ર પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે નાગરિક સંશોધન દિલને સમર્થન આપતો ઠરાવ વિધાનસભા ગૃહમાં પસાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. વિધાનસભા સત્ર અંતર્ગત કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મળી હતી. બેઠકમાં વિપક્ષ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નો પર વધુ ચર્ચા કરવા માટે અધ્યક્ષ સમક્ષ વિધાનસભાનું સત્ર લંબાવવાની વાત કરવામાં આવી હતી. જોકે શાસક પક્ષે દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષની માગનો અસ્વીકાર કર્યો હતો. આ સંજોગોમાં કોંગ્રેસના નેતાએ કહ્યું કે જો સરકાર સત્રના દિવસોમાં વધારો કરે તો પ્રજાહિતના પ્રશ્નોની ચર્ચા કરી શકાય. સામા પક્ષે વિપક્ષે ગૃહમાં નવજાત શિશુના મોત મુદ્દે પણ ચર્ચાની માગ કરી હતી, પરંતુ શાસક પક્ષે આ માગને પણ ફગાવી દીધી છે.