શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 એપ્રિલ 2018 (16:30 IST)

કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડુતો માટે મહત્વની ત્રણ જાહેરાતો કરી

કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 3 મહ્ત્તવની જાહેરાત કરી છે, જેને કારણે ખેડૂતોનું ભાવિ સુધરી શકે છે. કેન્દ્ર સરકારે ગુજરાતના મગફળી પકવતા ખેડૂતો માટે 628 કરોડની ગ્રાન્ટ છુટ્ટી કરી છે. ગુજરાતના 254 જેટલા કેન્દ્રો પર મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેવા ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ આગામી બેથી ત્રણ દિવસમાં જમા થઈ શકશે. આ ઉપરાંત સરકારે રાયડો અને ચણાની ખરીદીની પણ જાહેરાત કરી છે.

કૃષિમંત્રી આર.સી.ફળદુએ કેન્દ્ર સરકારની આ જાહેરાતની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મગફળી બાબતે કેન્દ્ર સરકારે અમારી અવારનવારની રજૂઆતોને ધ્યાનમાં લીધી છે. સરકારે રાયડા અને ચણાની ખરીદીની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે 254 કેન્દ્રો પર મગફળીનું વેચાણ શરૂ કર્યું છે, જેના 450 કરોડના પેમેન્ટ્સ બાકી હતા, અને એ પેમેન્ટના સંદર્ભે ભારત સરકારે 628 કરોડ રૂપિયા છુટ્ટા કર્યાં છે. ત્યારે ખેડૂતોની મગફળી જે રીતે ખરીદાઈ હતી અને જેટલા રૂપિયા ચૂકવવાના થાય છે, તે મુજબ આગામી બે-ત્રણ દિવસોમાં તેમને તેના રૂપિયા મળી જશે. તો, કેન્દ્ર સરકારે ચણા અને રાયડાની ખરીદી કરાશે તેવું કહ્યું છે. જેમાં 90 હજાર મેટ્રિક ટન રાયડો અને 80 હજાર મેટ્રિક ટન ચણા ખરીદાશે તેવું કહ્યું છે. ચણા અને રાયડા માટે વિવિધ એજન્સી સાથે ચર્ચા કરવામાં આવશે. આગામી ટૂંક સમયમાં જ આ ખરીદી શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે લીધેલો આ નિર્ણય ખેડૂતોના હિતમાં છે. આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને સીધો ફાયદો થશે. આમ, ખેડૂતોને ઓછી કિંમતે પોતાની ખેત પેદાશો વેચવી ન પડે તે માટે સરકાર દ્વારા આ પગલું લેવાયું છે. કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ છુટી કરવાના સંદર્ભમાં આજે માહિતી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી હતી.