1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (16:34 IST)

વડોદરામાં ત્રણ વર્ષની બાળકીનું કોરોનાથી મોત,પરિવારે મૃતદેહ વતન લઇ જવા જીદ પકડી

કોરોનાની ત્રીજી લહેરે અનેકવિધ બીમારીથી પીડાતી કોરોના પોઝિટિવ 3 વર્ષની શ્રમજીવી પરિવારની બાળકીનો ભોગ લીધો છે. જોકે પરિવારે ગોત્રી હોસ્પિટલમાં યોગ્ય સારવારના અભાવે બાળકીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને બાળકીના મૃતદેહને વતન લઇ જવાની જીદ પકડી હતી. જોકે સમજાવટ બાદ તંત્ર દ્વારા કોવિડની ગાઇડલાઇન્સ મુજબ ગોત્રી સ્મશાનમાં દફનવિધિ કરવામાં આવી હતી.સૌરાષ્ટ્રનો પરિવાર વડોદરામાં મજૂરીકામ માટે આવ્યો હતો. વડોદરાના સુભાનપુરા હરિઓમનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની 3 વર્ષની દીકરીની મોડી રાત્રે તબિયત બગડતાં અને બેભાન થઇ જતાં પરિવાર ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં કોવિડની ગાઇડલાઇન્સ મુજબ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોઝિટિવ આવતાં બાળકોના કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આજે સવારે પરિવારને બાળકીના મોતના સમાચાર મળતાં હોસ્પિટલમાં બાળકીની માતા સહિત પરિવારે આક્રંદ શરૂ કર્યું હતું. એ સાથે પરિવારે મૃતક બાળકીને વતનમાં લઇ જવાની જીદ પકડી હતી અને દીકરીના મોત માટે હોસ્પિટલને જવાબદાર ઠેરવી નારાજગી વ્યક્ત કરી હતી.પરિવારનાં વાલીબેને જણાવ્યું હતું કે દીકરી રાત્રે 10 વાગ્યા સુધી મોબાઇલ ફોનમાં રમતી હતી. દરમિયાન એકાએક તેણે તાવ ચઢતાં બેભાન થઇ ગઇ હતી. તરત જ તેને ગોત્રી હોસ્પિટલમાં લઈને આવી હતી અને સવારે ડોક્ટરોએ કોરોના થતાં મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું, જે અમારા માનવામાં આવતું નથી.ડો. હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે મોડી રાત્રે દોઢ વાગે બાળકીને બેભાન અવસ્થામાં પરિવાર હોસ્પિટલમાં લાવ્યો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતાં પોઝિટિવ આવ્યો હતો, જેથી તેણે હોસ્પિટલમાં બાળકોના કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આ બાળકી માલન્યુટ્રિશન(કુપોષણ)જેવી બીમારીથી પીડિત હતી, જેમાં કોરોના પોઝિટિવ આવતાં તેનું મોત નીપજ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરિવાર અશિક્ષિત હોવાને કારણે તેઓ મૃતક દીકરીની અંતિમવિધિ માટે તેનો મૃતદેહને વતનમાં લઈ જવા માગતા હતા. પરંતુ, કોવિડની ગાઇડલાઇન્સ મુજબ આપી શકાય નહીં, જેથી પરિવારને સમજાવી મૃતક બાળકીની દફનવિધિ કોવિડ ગાઇડલાઇન્સ મુજબ પીપીઇ કિટથી પેક કરી ગોત્રી સ્મશાનમાં કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.