શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 માર્ચ 2021 (00:10 IST)

Bank Strike : બેંક કર્મચારીઓની હડતાલ, આવતા અઠવાડિયે આ બે દિવસ સુધી પ્રભાવિત થશે બેંકનુ કામકાજ

બે સરકારી બૅન્કોના ખાનગીકરણના સરકારના નિર્ણયની સામે નવ કર્મચારીસંગઠનોએ બે દિવસની હડતાલનું એલાન આપ્યું છે. કર્મચારીઓએ સોમવાર તથા મંગળવાર એમ બે દિવસ માટે તા. 15 તથા 16 માર્ચના રોજ હડતાલ રાખવાની વાત કરી છે. આને કારણે બૅન્કની કામગીરી ચાર દિવસ માટે ઠપ રહેશે. કારણ કે શનિવાર તા. 13મી માર્ચના રોજ બીજો શનિવાર હોવાને લીધે બૅન્કનું કામકાજ બંધ રહેશે.
 
સોમવારે ગુજરાતમાં વિવિધ સ્થળોએ બૅન્ક કર્મચારીઓ આ રીતે લોકોને જાગૃત કરતાં જોવાં મળ્યાં. આ તસવીર અમદાવાદની છે. 
 
કોરોનાને કારણે સામાજિક મેળાવડા ઉપર નિયંત્રણો હોવાને કારણે કર્મચારીઓ એકઠા થઈને વિરોધ કરવાને બદલે સોશિયલ મીડિયા ઉપર નાગરિકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર #bankbachao_deshbachao ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.
 
આ માટે તેઓ સરકારી તથા ખાનગી બૅન્કો વચ્ચે અલગ-અલગ સેવાઓના દરમાં કેટલો મોટો તફાવત છે, તે સમજાવવાનો પ્રયાસ કરશે. આ સિવાય 'ખાનગીકરણ અટકાવો'ના માસ્કનું વિતરણ કરશે, એવા પણ અહેવાલ છે. કર્મચારીસંગઠનોનું કહેવું છે કે જો તેમની વાતને ધ્યાને લેવામાં નહીં આવે તો આવતાં મહિનાથી જલદ કાર્યક્રમો આપવામાં આવશે.
 
નાગરિકો માટે રાહતના સમાચાર છે કે આ ગાળા દરમિયાન મોબાઇલ તથા ઇન્ટરનેટ બૅન્કિંગ રાબેતા મુજબ ચાલુ રહેશે. નાણાંકીય વર્ષ 2021- '22નું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતરામણે જણાવ્યું હતું, "અમે આઈ.ડી.બી.આઈ. (ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા) ઉપરાંત બે સરકારી બૅન્કો તથા એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનું લક્ષ્યાંક રાખીએ છીએ."
 
સરકાર જાહેરસાહસોનાં વેચાણ દ્વારા સરકાર નાણાકીય વર્ષ દરમિયાન રૂ. એક લાખ 75 હજાર કરોડ ઊભા કરવા માગે છે.