ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 જૂન 2019 (12:10 IST)

સગી ડોક્ટર બહેને જ ભાઈ અને ભત્રીજીને ઝેર આપીને હત્યા કરી

પાટણમાં સગી બહેને જ મહિના અગાઉ તેના ભાઈને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ 30 મેના રોજ તેની 14 માસની માસૂમ દીકરીને પણ ઠંડા કલેજે ઝેર આપી મારી નાખી હોવાની સગી દીકરીએ કુટુંબીઓ પાસે કબુલાત કર્યાની ચોંકાવનારી રજૂઆત પિતાએ શહેર પોલીસને કરી હતી. જેને પગલે પોલીસે પુરાવા એકઠા કરવા સ્મશાનમાં દાટેલી 14 માસની માસૂમના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક લેબમાં મોકલી અકસ્માત મોત દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. મૃતક જીગરના પિતા નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આરોપી કોઇપણ હોય તેને તેના ગુનાની સજા તેના ગુના પ્રમાણે જ થવી જોઈએ ને સમાજમાં દાખલો બેસે બસ એ જ આશયથી મેં મારી દીકરી હોવા છતાં તેણે જે ગુનો કર્યો છે એ બાબતે મેં ફરિયાદ આપી છે અને તેને સજા થાય એ જ મારી ઇચ્છા છે. જેના સામે પિતાએ ભાઇ અને ભત્રીજીની હત્યાનો આક્ષેપ કર્યો છે તે કિન્નરી બીડીએસ ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલો છે અને બે વર્ષ અગાઉ સ્ટર્લિંગમાં નોકરી કરતી હતી. જે અપરિણીત છે અને તેણે આવું કૃત્ય શા માટે કર્યું તેમજ તેનો જીવ કેવી રીતે ચાલ્યો તેવો સવાલ ચર્ચાઇ રહ્યો છે. બાળકીની સારવાર કરનાર ડો. બકુલ પટેલે જણાવ્યું કે, બાળકીને લવાઇ ત્યારે તેની પરિસ્થિતિ ગંભીર હતી, પરંતુ તેને કેમ ખેંચ આવી છે તેનું કારણ મળ્યું નથી. ખેંચની ગંભીર બીમારીમાં મૃત્યુ થઈ શકે છે, પરંતુ આ કેસમાં ખેંચ આવવાનું કારણ જણાયું નથી. રિપોર્ટ કરવા માટે અવકાશ પણ ન મળ્યો કે કંઈ કામ કરી શકીએ. આ અંગે એસપી શોભા ભૂતડાએ જણાવ્યું કે, આ ઘટનામાં અકસ્માત મોત નોંધ કરવામાં આવી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.