વિવાદ - વલસાડમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ગોડસે વિષય પર ગાંધીની નિંદા કરનાર બાળકને પ્રથમ વિજેતા જાહેર
વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં 'મારો આદર્શ નાથુરામ ગોડસે' વિષય પર ગાંધીની નિંદા કરનાર તથા ગોડસેને હીરો તરીકે ચિતરનાર બાળકને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાયો હતો. નોંધનીય છે કે ધોરણ-5થી ધોરણ 8ના 11થી 13 વર્ષનાં બાળકો માટે સ્થાનિક સરકારી કચેરી દ્વારા પસંદ કરાયેલા 3 પૈકી 'મારો આદર્શ નાથુરામ ગોડસે' પર વકતૃત્વ અપનારા બાળકને વિજેતા જાહેર કરાતાં અને સ્થાનિક સરકારી કચેરી દ્વારા આવો વિષય અપાતાં વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સમગ્ર મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે તેવી ખાતરી આપી છે.
વિવાદ અંગે વલસાડ કલેક્ટરે હાથ અધ્ધર કર્યા
વલસાડ કલેક્ટર ક્ષીપ્રા અગ્રેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ રમત-ગમત વિભાગના અંતર્ગત આવતી બાબત હોય રમત-ગમત વિભાગ આ સંદર્ભે પગલાં લેશે. આ મારા અધિકારક્ષેત્રમાં આવતું નથી. જે-તે વિભાગ આ અંગે કોલ લેશે. આ વિવાદમાં પગલાં લેવા અંગે ખાસ કંઇ ન કહીને જે-તે વિભાગ પર ઢોળીને હાથ અધ્ધર કરી લીધા છે.