મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 6 જુલાઈ 2023 (14:11 IST)

ગુજરાતમાં 5 વર્ષમાં 15 લાખથી વધુ લોકોને રોજગારી મળી, 7 હજાર ભરતી મેળાના આયોજન થયા

વર્ષ 2022માં દેશની 43 ટકા એટલે કે 2.74 લાખ યુવાઓને રોજગારી પૂરી પાડી
 
મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં દ્વિતીય
 
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ 2002થી દેશમાં સતત પ્રથમ ક્રમાંકે છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ– 2023 મુજબ વર્ષ 2022 દરમિયાન રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત ફરી એકવાર પ્રથમ ક્રમે આવ્યું છે.વર્ષ 2018-19 થી 2022-23 દરમિયાન 5 વર્ષના સમયગાળામાં રોજગાર કચેરીઓ દ્વારા 15 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.આ સમયગાળામાં 7 હજારથી વધુ ભરતીમેળાના આયોજન થકી જ રાજ્યના આશરે 8 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી મળી છે.
 
13,67,600 જેટલી જગ્યાઓની નોંધણી 
ગુજરાતના યુવાનોને રોજગારીની તકો આપવા રાજ્ય સરકારે "અનુબંધમ" વેબપોર્ટલ તથા મોબાઇલ એપ વિકસાવી છે.‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023’માં જણાવ્યા અનુસાર વર્ષ 2022માં દેશભરના રાજ્યો દ્વારા કુલ 6,44,600 યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જેના 43 ટકા એટલે કે 2,74,800 જેટલા યુવાનોને ગુજરાતે રોજગારી પૂરી પાડી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ખાલી પડેલી 13,67,600 જેટલી જગ્યાઓની નોંધણી કરવામાં આવી છે, જેની સામે ગુજરાત 3,59,900 ખાલી જગ્યાઓની નોંધણી સાથે દેશમાં બીજા ક્રમે છે.
 
અનુસૂચિત જાતિના 38,700 યુવાનોને રોજગારી મળી
ગત માર્ચ-2023માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દર્શાવ્યા અનુસાર ગુજરાત અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી પૂરી પાડવામાં પણ દેશમાં પ્રથમ છે. ભારતમાં વર્ષ 2022 દરમિયાન અનુસૂચિત જાતિના 38,700 યુવાનોને રોજગારી આપવામાં આવી, જેની સામે ગુજરાતમાં તેના 58 ટકા એટલે કે, 22600 અનુસૂચિત જાતિના યુવાનોને રોજગારી આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં અનુસૂચિત જનજાતિના 22000 ઉમેદવારોને વર્ષ 2022માં નોકરી મળી, તેના 86 ટકા એટલે કે 19100 અનુ. જનજાતિના યુવાનોને ગુજરાતમાં રોજગારી અપાઈ છે.
 
122700 મહિલાઓને રોજગારી આપવામાં આવી
ગુજરાત રાજ્ય માત્ર પુરુષોને જ નહિ, મહિલાઓને પણ આજે રોજગારીની સમાન તકો પૂરી પાડી રહ્યું છે. અહેવાલ અનુસાર ગુજરાત રાજ્ય મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. ભારતભરમાં વર્ષ 2022 દરમિયાન કુલ 122700 મહિલાઓને રોજગારી આપવામાં આવી છે, જેની સામે ગુજરાત દ્વારા 45800 એટલે કે 37 ટકા જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત રોજગારવાન્છું મહિલાઓની નામ નોંધણીમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ આવ્યું છે. સમગ્ર ભારતમાં થયેલી 8 ટકા મહિલાઓની નામ નોંધણીમાં ગુજરાતનો ફાળો 75 ટકા જેટલો છે.
Labor and Employment of Government of India