ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2017 (15:51 IST)

મેક ઇન ઇન્ડિયા'ની વાતોનો પરપોટો ફૂટયો, ગુજરાતની સૌથી મોટી દહેજ GIDCને એન્વાયરોન્મેન્ટ કલીયરન્સ મળતું નથી

એક બાજુ કેન્દ્ર સરકાર મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે. ગુજરાત સરકાર કરોડોના ખર્ચે વાઇબ્રન્ટ સમિટ યોજે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, ગુજરાતની સૌથી મોટી ગણાતી ભરૃચ જિલ્લામાં આવેલી દહેજ GIDC ને હજુ સુધી કેન્દ્રના વન પર્યાવરણ ખાતા તરફથી એન્વાયરોન્મેન્ટ સર્ટિફિકેટ (EC) જ નથી અપાયું !! જેને કારણે કેટલીયે મોટી ઇન્ડસ્ટ્રીએ અહીં પ્રોજેક્ટ નાખવાનું પડતું મુકી દીધું છે. ગુજરાતમાં નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝ આવે તે માટે નીતનવા પ્રોજેક્ટો જાહેર કરાતા હોય છે. વિશેષ છૂટછાટો અને સબસીડીની લાલચ પણ અપાતી હોય છે. લગભગ ૧૨ વર્ષ પહેલા સરકારે ખેડૂતો પાસેથી જમીન એક્વાયર કરીને દહેજમાં દરિયા કિનારા પાસે ૪૫૨૯૮ હેકટર જમીનમાં GIDC બનાવી છે. નાની-મોટી કંપનીઓએ સરકારે નક્કી કરેલા ભાવો મુજબ દહેજ GIDC માં પ્લોટોની ખરીદી કરી લીધી હતી. પરંતુ GIDC દ્વારા છેક ડિસેમ્બર- ૨૦૧૩માં EC મેળવવા માટે અરજી કરાઇ હતી !! EC માટે લોકોને સુનાવણી કરવી પડે છે. તેમજ જે કોઈ વાંધા-વચકા આવે તેનો નિકાલ કરવાનો હોય છે.૨૦૧૩ પહેલા ઘણા લોકોએ પોતાની ઇન્ડસ્ટ્રી શરૃ કરવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) માં ગયા હતા. પરંતુ  GPCBએ EC વગર મંજૂરી આપવાનો ઇન્કર કર્યો હતો. આથી આવી ઇન્ડસ્ટ્રીઓએ GIDC ને બદલે જાતે જ લોક સુનાવણી કરી, EC મેળવવા અરજીઓ કરી હતી.EC ઉપરાંત રોડ-રસ્તા, પાણી, વીજળી અને ગટરલાઇનની વ્યવસ્થા પણ કરાઇ નથી. તેમજ કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ નખાયો નથી. જેને લીધે મોટી ઇન્ડસ્ટ્રીઓએ ગુજરાતમાં (દહેજમાં) પોતાના પ્રોજેક્ટ પડતા મુકી દીધા છે. કેન્દ્રની એક્ષપર્ટ એપ્રેઇઝલ કમિટી (EAC) એ GIDC નાં સત્તાવાળાઓ પાસેથી કેટલીક વિગતો મંગાવી છે. જે મળ્યા પછી જ EC મળશે એવું જણાવી દીધું છે.આ અંગે રાજ્યકક્ષાના ઉદ્યોગ મંત્રી રોહીત પટેલને પુછતાં તેઓ કંઇ જવાબ આપી શક્યા નહોતા. જ્યારે GIDC નાં મેનેજીંગ ડીરેકટર IPS ડી. થારાએ જણાવ્યું હતું કે, ગત મહિને આ અંગે હીયરિંગ થયું હતું. આગામી ૧૫ દિવસમાં EC મળી જાય એવી શકયતાઓ છે.