રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 29 જૂન 2019 (11:40 IST)

ભાજપના નેતા ભવાન ભરવાડની હોટેલમાંથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

અમદાવાદમાં બીજેપીના નેતા ભવાન ભરવાડની માલિકીવાળી હોટલમાંથી જુગારધામ ઝડપાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં પોલીસે 18 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના  ગોતા વિસ્તાર પાસે સ્થિત ગોકુલ હોટલમાં નબીરાઓ જુગાર રમી રહ્યા હોવાની પોલીસને માહિતી મળતા પોલીસ તત્કાલીન એક્શનમાં આવી અને અચાનક હોટલ પર રેડ કરી. જેમાં પોલીસે જુગાર રમતા 18 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. મહત્વની વાત એ છે કે, ગોકુલ હોટલ ભાજપના નેતા ભવાન ભરવાડની માલિકીની છે. ત્યારે એક બીજેપી નેતાની હોટલમાં જુગારધામ ઝડપાતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ ઉભો થઈ ગયો છે.

રથયાત્રાને લઈ શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ વોચમાં છે. તથા ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં હાલમાં પોલીસની બાજ નજર રહેલી છે. આ સમયે પોલીસને બાતમી મળી હતી કે, સોલા વિસ્તારમાં આવેલી ગોકુલ હોટલ ઉર્ફે ગોકુલ ક્લબમાં જુગાર રમવામાં આવી રહ્યો છે. પોલીસે તુરંત ત્યાં પહોંચી સર્ચ ઓપરેશન કર્યું તો, ત્યાંથી 18 જેટલા લોકો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. કહેવાય છે કે, છેલ્લા કેટલાએ સમયથી અહીં જુગારધામ ચાલી રહ્યું હતું, તેવી માહિતી મળતા પોલીસે રેડ કરી હતી.હાલમાં પોલીસ જુગારીઓને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે, અને પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હજુ સુધી જુગારધામમાંથી ઝડપાયેલા લોકો કોણ છે તેની માહિતી પોલીસે આપી નથી. પરંતુ, મહત્વની વાત એ છે કે, બીજેપી પક્ષ સાથે જોડાયેલા નેતાની માલિકીની આ હોટલમાં જુગારધામ ઝડપાયું છે જેથી એવું ચોક્કસ કહી શકાય કે જુગારમાં ઝડપાયેલા લોકો પણ મોટા માથા હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.