ગુજરાતમાં ISની શંકાસ્પદ પ્રવૃત્તિ,અમદાવાદના ચાર અને રાજકોટના પાંચ યુવક વસીમના સંપર્કમાં
ચોટીલા મંદિરને બોમ્બથી ફૂંકી મારવાનું ખતરનાક કાવતરૃ ઘડીને દેશની ટોચની તપાસ એજન્સીઓની ઊંઘ હરામ કરી નાંખનારા આઈએસ સાથે સંપર્ક ધરાવતા વસીમે તેના સંપર્કમાં ગુજરાતના ૯ યુવકો હોવાનું એટીએસને જણાવ્યું છે. જેમાં પાંચ ચાર યુવકો અમદાવાદના હોવાની પણ તેણે સ્પષ્ટતા કરી છે. જેને પગલે હવે એટીએસના અધિકારીઓ આ યુવકોની જન્મકૂંડળી શોધવામાં લાગી ગયા છે. રાજકોટમાં ઝડપાયેલા આઈએસ સાથે સંપર્ક ધરાવતા આતંકવાદી બંધુઓ વસીમ અને નઈમ એટીએસની પુછપરછમાં ધીમેધીમે વટાણા વેરવા લાગ્યા છે. મુખ્ય સુત્રધાર વસીમે સોશ્યલ મિડીયા પર તેના સંપર્કમાં ૯ યુવકો હોવાની કબૂલાત કરી છે. એટીએસના ડીવાયએસપી કે.કે.પટેલના જણાવ્યા મુજબ વસીમે પુછપરછમાં અમને કહ્યું હતું કે તેના સંપર્કમાં અમદાવાદનાં ચાર તથા રાજકોટના પાંચ યુવક હતા. આ યુવકો તેની સાથે ટ્વીટર, ફેસબુક તથા અન્ય સોશ્યલ મિડીયા મારફતે સંપર્કમાં રહેતા હતા. જોકે વસીમે આ યુવકો અમદાવાદમાં ચોક્કસ ક્યાંના રહેવાસી છે તથા તેમના વિશેની વધુ માહિતી પોલીસને આપી ન હતી. તે સિવાય ચોટીલા મંદિરમાં બ્લાસ્ટ કરવા અંગેની વાતચીત સોશ્યલ મિડીયા મારફતે આ યુવકો સાથે કરી હતી કે કેમ તે પણ જાણી શકાયું નથી. જોકે બે દિવસ પછી આવનારા એફએસએલના રિપોર્ટમાં વધુ અને ચોક્કસ માહિતી મળશે, એમ પટેલે કહ્યું હતું. બીજીતરફ ગુજરાતમાં આ પ્રકારના અંદાજે ૪૦ જેટલા યુવકો હોવાનું બહાર આવ્યું હતું. આ યુવકો આઈએસ કે વસીમ સાથે કેવી રીતે સંપર્કમાં હતા તેની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. હાલમાં તો આ યુવકોની ગતિવીધીઓ પર એટીએસ નજર જ રાખી રહી છે.