1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (12:28 IST)

સગીરા સાથે અડપલા કરનાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો પિતરાઇ જેલ હવાલે

ભાવનગર શહેરના બોરતળાવ ખાતેની કુમુદવાડીમાં હીરાનું કારખાનું ચલાવતા અને વરતેજ ખાતે રહેતા શખ્સે બાળાને ગેલેરીમાં લઇ જઇ શારીરીક અડપલા કર્યાનો વીડિયો વાયરલ થયા બાદ બાળાના પિતાની ફરિયાદ કર્યાં બાદ આરોપીની ધરપકડ કરી પોસ્કો સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજુ કરાતા અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો.
બનાવની વિગતો મુજબ શહેરના કુમુદવાડી વિસ્તારમાં હીરાનું કારખાનુ ચલાવતા અને વરતેજ ખાતે રહેતા સુરેશ શીવાભાઇ માધવાણી વિરૂદ્ધ તેના કારખાનામાં ગત તા.10/7 નાં રોજ પિતાની સાથે આવેલ બાળાને સુરેશ માધવાણી કારખાનાની બિલ્ડીંગની ગેલેરીમાં લઇ ગયો હતો અને ત્યાં તેણીના શરીર સાથે શારીરીક અડપલા કર્યા હતા. જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ બનાવ અંગે ડી.ડીવીઝન પોલીસે પોસ્કો સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સુરેશની ધરપડક કરી અદાલતમા રજુ કરતા અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો. ઉપરોકત આરોપી સુરેશ ભાવનગર પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના મામાનો દીકરો થતો હોવાનુ જાણવા મળેલ છે.
જો કે બનાવ બાદ બાળાના પિતાની ફરિયાદ પોલીસ લેતી ન હોવાના આક્ષેપ સાથે કોળી સમાજના આગેવાન મુન્નાભાઈ ચોગઠ સહિતના આગેવાન અને સમાજના લોકો સાથેનું ટોળુ ડી.ડીવીઝન પોલીસ મથકે ઘસી ગયું હતું અને આરોપી સુરેશ શીવાભાઈ માધવાણી જીતુ વાઘાણીના સગા મામાનો દિકરો થતો હોવાનું જણાવાયું હતુ અને આરોપી સામે દુષ્કર્મની કલમો લગાડવા માંગ કરાઇ હતી.
આ અંગે ડી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એમ.રાવલે કહ્યું હતું કે શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલ સીતારામ નામના ગાળામાં હીરાનું કારખાનુ ચલાવતા અને વરતેજ ખાતે રહેતા સુરેશ શીવાભાઇ માધવાણીએ બાળા સાથે શારીરીક અડપલા કર્યાની ફરિયાદ બાદ ધરપકડ કરી પોસ્કો સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને કોર્ટમાં રજુ કરતા અદાલતના હુકમ બાદ તેને જેલ હવાલે કરાયો છે. આરોપી જીતુ વાઘાણીનો પિતરાઇ ભાઇ થતો હોવાનું લોકો કહે છે. અમારે આરોપીના સંબધ અંગે તપાસમા લાગતુ વળગતુ નથી.