સરકારે 1408નું ટેબલેટ રૂ. 6667માં ખરીદી રૂ. 162 કરોડનું કૌભાંડ આચર્યું : ધાનાણી
રાજ્ય સરકાર દ્વારા ધો-૧૦ પછી ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ અને ધો-૧૨ પછી કોઈપણ શાખાના વિદ્યાર્થીને રૂ. ૧૦૦૦માં ટેબલેટ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકારે રૂ. ૧૪૦૮નું ટેબલેટ રૂ. ૬૬૬૭માં ખરીદીને રૂ. ૧૬૨ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં કર્યો છે.
જોકે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પેસિફિકેશનનો હવાલો આપીને વિપક્ષી નેતાના આક્ષેપ ફગાવ્યા હતા અને કહ્યું કે, ટેબલેટ ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરીને ખરીદી કરવામાં આવી છે. શક્ય છે કે, સરકારે ખરીદેલાં ટેબલેટ અને ઓનલાઈન વેચાઈ રહેલાં ટેબલેટના ફિચર્સ અને સ્પેસિફિકેશનમાં તફાવત હોઈ શકે છે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં રાજ્યના ૩.૦૯ લાખ વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે અરજી આપી હતી. જેમાંથી ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા છે જ્યારે ૧.૫૮ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બાકી છે.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સુરત અને વડોદરા જિલ્લામાં ટેબલેટ આપવાનો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ ઉઠાવ્યો હતો. આ ચર્ચામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકાર વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૧૦૦૦ ભરાવીને જે ટેબલેટ આપે છે તે લીનોવો કંપનીનું ટેબલેટ અલીબાબા ડોટ કોમ નામની ઓનલાઈન કંપની પર રૂ. ૧૪૦૮ (19.56 US ડોલર)માં મળે છે! વિદ્યાર્થીના હિસ્સાના રૂ. ૧૦૦૦ બાદ કરીએ તો સરકારને માત્ર રૂ. ૪૦૮ જ ચૂકવવાના થાય, પરંતુ સરકારે ટેબલેટ રૂ. ૬૬૬૭માં ખરીદ્યું છે. એટલે કે, એક ટેબલેટ દીઠ રૂ. ૫૨૫૯ વધારે ચૂકવ્યા છે! અને ૩ લાખ ટેબલેટની ગણતરી કરીએ તો રૂ. ૧૬૨.૮૪ કરોડ કોના ખિસ્સામાં ગયા?
વિપક્ષી નેતા ધાનાણીએ કહ્યું કે, તેઓ સરકાર પર આક્ષેપ મૂકતા નથી, પરંતુ આ રકમ કોણ ઓળવી ગયું તેની તપાસ થવી જોઈએ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દરમિયાનગીરી કરતાં વિપક્ષી નેતાના તમામ આક્ષેપો ફગાવીને કહ્યું કે, કઈ વેબસાઈટ પર આ ટેબલેટ વેચાય છે તેની ખબર નથી, પરંતુ જ્યાં સુધી સરકારને લાગે વળગે છે ત્યાં સુધી આ યોજનામાં કોઈ ગોટાળો કે કૌભાંડ થયું નથી.
આપણા ટેકનોસેવી વિદ્યાર્થીઓ-યુવાનો સ્પર્ધામાં ટકી શકે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વળી, ટેબલેટની ખરીદી ગ્લોબલ ટેન્ડરિંગ થકી કરવામાં આવે છે અને તેના ફિચર્સ અને સ્પેસિફિકેશન પણ અલગ હોઈ શકે છે. જોકે, વિપક્ષી નેતાએ સમગ્ર પ્રકરણની તપાસ કરાવવાની માગ કરી હતી.