શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 25 માર્ચ 2017 (15:16 IST)

આવતી કાલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વિશાળ હિંદુ સંમેલન યોજાશે

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આવતી કાલે સવારે હેલ્મેટ સર્કલ પાસેના જીએમડીસી ગ્રાઉન્ડ પર ‘દરેક હિંદુઓનાં દિલની વાત’ના સૂત્ર સાથે વિશાળ હિંદુ સંમેલનનું આયોજન કરાયું છે. આ હિંદુ સંમેલનમાં સ્વાભાવિક પણે અત્યારના આંદોલનને જોતાં અયોધ્યાના રામ મંદિર નિર્માણની ગૂંજ ઊઠશે.

જો હિંદુ હિત કી બાત કરેગા, વહી દેશ મેં રાજ કરેગા’, પ્રથમ કાર સેવા મેં હમને ધ્વજ ભગવા લહરાયા થા, અપમાન સહે, બલિદાન સહે પર પીછે પૈર ના હટાયા થા, રામ કે ભક્તોને ફિર સે આગે કદમ બઢાયા હૈ, આવો ચલો અયોધ્યા ધામ, બુલા રહે હૈ પ્રભુ શ્રી રામ’ જેવાં ગીતો અને સૂત્રોથી આવતી કાલે જીએમડીસી ગ્રાઉન્ડ ગૂંજી ઊઠશે અને અમદાવાદમાંથી આશરે વીસ હજારથી વધુ અને રાજ્યનાં ગામડે ગામડેથી વીસ હજારથી વધુ એમ અંદાજે ૪પ હજાર હિંદુઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હાજર રહેશે અને વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા, વિહિપના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈન, બજરંગદળના રાષ્ટ્રીય અધ્યક્ષ વર્માજી, સારસાના અવિચલદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ અને ઝુંડાલના પુરુષોત્તમદાસજી મહારાજ વગેરે મહાનુભાવો આ વિશાળ હિંદુ સંમેલનને સંબોધશે. 

વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત પ્રાંતના પ્રમુખ ડો. કૌશિક મહેતાએ ‘સમભાવ મેટ્રો’ સાથેની વાતચીતમાં કહે છે, ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણના આંદોલન વખતે ગુજરાતના ૧ર હજાર ગામમાંથી અયોધ્યા ખાતે શ્રીરામ શીલા પહોંચાડાઇ હતી. આવતી કાલના હિંદુ સંમેલનનો રાજ્યના ૧૩ હજાર ગામમાં વિહિપની સ્થાયી સમિતિ બનાવીને સંસ્થાનો વિસ્તાર કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. હાલના તબક્કે સાત હજાર ગામમાં વિહિપની સ્થાયી સમિતિ છે અનેબે હજાર ગામમાં વિહિપનો સંપર્ક છે. શ્રીરામ મંદિરનો મુદ્દો તો સ્વાભાવિકપણે ચર્ચાશે. પરંતુ ગુજરાતભરમાંથી હાજર રહેનારા ૧પ૦ સંતો સંમેલનમાં વિહિપને માર્ગદર્શન આપશે. અગ્રણીઓ અને સંતોના માર્ગદર્શન હેઠળ ભવિષ્યના કાર્યક્રમો નક્કી કરાશે.

વિશાળ હિંદુ સંમેલનના ભાગરૂપે ગઇકાલે શહેરમાં બાઇક રેલી યોજાઇ હતી. સમગ્ર અમદાવાદમાં હિંદુ સંમેલનને લગતા ઠેર ઠેર ભગવા ઝંડા લહેરાયા છે. પોસ્ટર અને બેનર્સથી કેસરિયા માહોલ છવાયો છે. આવતી કાલે સવારે નવ વાગ્યે રન્નાપાર્કથી વીર ડેરીથી વધુ એક બાઇક રેલીનું આયોજન કરાયું છે. તેમ જણાવતા વિહિપના મીડિયા ઇન્ચાર્જ હેમેન્દ્ર ત્રિવેદી વધુમાં કહે છે, જેમાં પ૦૦ થી વધુ બાઇક સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાઇને બાઇક રેલી જીએમડીસી ગ્રાઉન્ડ જશે.