ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા જુન મહિનામાં લેવાય તેવી શક્યતા, આગામી સપ્તાહમાં નિર્ણય લેવાઈ શકે
રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર શરુ થઈ ગઈ છે. જેમાં સંક્રમણના કેસો અને મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં મે મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે. પરંતુ વધતા કેસને લઈને આ પરીક્ષા જુન મહિનામાં યોજાય તેવી શક્યતાઓ છે. હાલમાં હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે જાહેર મેળાવડા અને કાર્યક્રમો પર પ્રતિબંધ મુક્યો છે.
જેથી પરીક્ષાને લઈને પણ આગામી સપ્તાહમાં નિર્ણય લેવામાં આવશે. કોરોનાનું સંક્રમણ બેકાબુ થતાં અત્યારે શાળા અને કોલેજોમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યું છે. પરંતુ કોરોનાના કેસોમાં વધારો થતાં આગામી મે મહિનામાં યોજાનાર પરીક્ષાને લઈને સરકાર પણ અસમંજસમાં છે. વધતા કેસને ધ્યાનમાં રાખીને પરિક્ષા માટે શિક્ષણ મંત્રી, આરોગ્ય વિભાગ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની બેઠક મળશે અને આ બેઠકમાં પરિક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે.પરીક્ષાને હવે એક મહિના જેટલો જ સમય બાકી છે સામે કેસ પણ સતત વધી રહ્યા છે તો એક સાથે લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે લેવી, કેવી વ્યવસ્થા કરવી,કોરોના પોઝિટિવ હોય તેવા વિદ્યાર્થીઓને કેવી રીતે પરિક્ષા આપવી તેવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલન થશે જે બાદ પરિક્ષા જૂન મહિનાના બીજા સપ્તાહ કે તે બાદ પરિક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવશે.મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ 10 અને 12મા ધોરણની પરીક્ષા મોકૂફ રાખીને જૂન મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પરિક્ષા હાલ પૂરતી મોકૂફ રાખીને જૂન મહિનામાં લેવા માટે વાલી મંડળ દ્વારા પણ સીએમ ને પાત્ર લખવામાં આવ્યો છે.હાલની પરિસ્થિતિમાં મેળાવડા અને કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે તો પરિક્ષા પણ રદ કરવી જોઈએ.ઉપરાંત 1 થી 9 ધોરણમાં માશ પ્રમોશન આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે તે અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે