ચાર વર્ષની બાળકીના પેટમાંથી અડધો કિલો વાળ નીકળ્યા, જાણો બાળકીને શું બીમારી હતી
Half a kilo of hair from the stomach
શહેરમાં રહેતા એક પરિવારની ચાર વર્ષીય બાળકીનું પેટ પથ્થર જેવું થઈ ગયું હતું. ડોકટરે જ્યારે સીટી સ્કેન કરી તપાસ કરી તો બાળકી વિચિત્ર બીમારીથી પીડાતી હોવાનું સામે આવ્યું હતું. બાળકીને ટ્રાઈકોબેઝોઅર નામની બીમારી હતી. જેમાં તે પોતાના જ વાળ ખાવાની ટેવ ધરાવતી હતી. તબીબોએ બે કલાકની સફળ સર્જરી કરી તેના પેટમાંથી અડધો કિલો વાળનો ગુચ્છો દૂર કરી માસૂમને નવજીવન આપ્યું હતું.
બાળકીએ એકદમ ખોરાક ઓછો કરી દીધો હતો
ચાર વર્ષની બાળકીનો ધીમે ધીમે ખોરાક ઓછો થવા માંડ્યો હતો. માતા-પિતાને એમ કે બાળ સહજ સ્વભાવે દીકરીને ખોરાક જમવાની અરુચિ થઈ ગઈ હશે. એટલે ભૂખ લાગવાની દવા સહિતના ઈલાજ કરાવ્યા હતા. આ સિલસિલો છેલ્લા ઘણા વખતથી ચાલતો આવ્યો હતો. એવામાં માતા પિતાને ખ્યાલ આવે છે કે દીકરી પોતાના જ વાળ મોઢામાં નાખીને ચાવતી રહે છે જેની આ કુટેવ છોડાવવા માટે પણ પરિવારે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેની કુટેવ છૂટતી ન હતી. એક સમય એવો આવ્યો કે બાળકીએ એકદમ ખોરાક ઓછો કરી દીધો હતો.
Half a kilo of hair from the stomach
જટિલ ઓપરેશન કરીને વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો
ઘણા ડોક્ટરોને બતાવ્યા પછી માતા-પિતા બાળકીને ગાંધીનગરની SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં રૂટિન રિપોર્ટ ઉપરાંત બાળકીનો CECT Abdomen રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે જઈને માલૂમ પડ્યું હતું કે બાળકીના પેટમાં 500 ગ્રામ જેટલો વાળનો ગુચ્છો છે.પરિવારની સંમતિથી હોસ્પિટલમાં બાળકોના સર્જન ડૉ. એ.એ. રતાણી દ્વારા બાળકીના પેટનું બે કલાક સુધી જટિલ ઓપરેશન કરીને વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો હતો. આ અંગે ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકી ટ્રાઈકોબેઝોઅર નામની બીમારીથી પીડાઈ રહી હતી. આવી બીમારીમાં દર્દીને પોતાના જ વાળ ખાવાની કુટેવ હોય છે.
બાળકી અત્યારે તંદુરસ્ત છે હવે તેને ભૂખ પણ લાગે છે
બાળકીને જ્યારે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તપાસ દરમિયાન પેટમાં એક પથ્થર જેવું જણાઈ આવ્યું હતું. ઓપરેશન પછી પેટમાંથી 500 ગ્રામ વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો હતો. બાળકી અત્યારે તંદુરસ્ત છે અને જલદીથી ખોરાક પણ લેવા લાગશે. ગાંધીનગરમાં બાળકીની સર્જરી કરનાર ડો. એ. એ. રતાણીએ જણાવ્યું હતું કે ટ્રાઇકોબેઝોઅર નામની બીમારીનો ભોગ બનનારી બાળકીનું છેલ્લા એક વર્ષ દરમિયાન એક કિલોથી વધુ વજન ઘટ્યું હતું. હવે સર્જરી કર્યા બાદ તેને ખોરાક આપવાની શરૂઆત કરતાં છેલ્લા આઠ દિવસમાં જ પોણો કિલો વજન વધ્યું છે. હવે બાળકીને ભૂખ પણ લાગે છે.