શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :વડોદરા , મંગળવાર, 13 ઑગસ્ટ 2024 (09:27 IST)

ગુજરાતમાં ફૉરેસ્ટ ગાર્ડની ભરતી મામલે વિરોધ કેમ થઈ રહ્યો છે?

yuvraj singh
સરકારી ભરતી અને વિવાદ. ગુજરાતમાં આ બંને શબ્દો એકબીજા સાથે જોડાયલા હોય તેમ છેલ્લા કેટલાક સમયથી દરેક ભરતી સમયે કોઇકને કોઈ વિવાદ સપાટી પણ આવી જાય છે. અગાઉ કથિત ભરતી કૌભાંડ મામલે રાજ્યમાં યુવાનોએ અનેક આંદોલનો પણ કર્યા છે.
 
હાલમાં ગુજરાતમાં ફરીવાર ભરતીના મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. ફૉરેસ્ટ ગાર્ડની વર્ગ-3 સંવર્ગની ભરતીમાં નિયમોનું પાલન થઈ રહ્યું નથી તેવા આક્ષેપો સાથે સમગ્ર રાજ્યમાં ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.
 
ઉમેદવારો પરીક્ષાના પરીણામમાં પારદર્શિતાની માગ કરી રહ્યા છે. સાથેસાથે પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની પણ માગ કરી રહ્યા છે. હાલમાં જ આ ઉમેદવારોએ ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આંદોલન કર્યું હતું અને રાતવાસો પણ ત્યાં જ કર્યો હતો.
 
ઉમેદવારોના વિરોધે હવે રાજકીય સ્વરૂપ લઈ લીધું છે. એનએસયુઆઇ (નેશનલ સ્ટુડન્ટ્સ ફેડેરેશન ઑફ ઇન્ડિયા) ફૉરેસ્ટ ગાર્ડ ભરતી મામલે રાજ્યનાં વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.
 
શું છે સમગ્ર મામલો?
 
બે વર્ષ પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષકની વર્ગ – 3ની કુલ 823 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. લેખીત કસોટી અને શારીરિક કસોટી થકી જગ્યાઓ ભરવાની હતી.
 
ગૌણ સેવા મંડળે સીબીઆરટી (કમ્પ્યુટર બેઇઝડ રિક્રુટમૅન્ટ ટેસ્ટ) પધ્ધતિ વડે પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. તબક્કાવાર ચાર લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જેમાં અલગ-અલગ સૅન્ટરોમાં કમ્પ્યુટરો પર ઑનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી.
 
થોડા દિવસો પહેલાં પરીક્ષાના પરીણામ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ પરિણામ જાહેર કરવાની પધ્ધતિથી ઉમેદવારોમાં નારાજગી વ્યાપી ગઈ હતી અને વિરોધ કરવાનો શરૂ કર્યો હતો.
 
ઉમેદવારોની માગ હતી કે જેટલા પણ લોકોએ પરીક્ષા આપી છે તેમના માર્કસની સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવે જેથી ભરતી પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે. તેમની એ પણ માગ છે કે સીબીઆરટી પધ્ધતિ બંધ કરવામાં આવે જેથી પરીક્ષામાં કોઈ પણ ગરબડ ન થાય.
 
સુરેન્દ્રનગર જિલ્લાના કરણ વાઘેલાએ વન રક્ષકની વર્ગ – 3ની પરીક્ષા આપી છે અને તેમના 113 ગુણ આવ્યા છે. પરંતુ ગૌણ સેવા મંડળે જે પરિણામ જાહેર કર્યું છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે.
 
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ''જે પરીણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બધા ઉમેદવારોનું પરિણામ એકસાથે નથી બતાવ્યું. દરેક ઉમેદવાર પોતાનું પરિણામ જોઈ શકે છે પરંતુ બીજા ઉમેદવારોનું પરિણામ શું છે તે વિશે કોઈ માહિતી નથી.''
 
‘‘અમારી માગ છે કે બધા ઉમેદવારોનું પરિણામ એકસાથે અને એક જ જગ્યાએ જાહેર કરવામાં આવે જેથી ખબર પડે કે શારીરિક કસોટી માટે જેને કૉલ આવ્યો છે તેના માકર્સ કેટલા છે. મંડળ વિદ્યાર્થીના નામ, કૅટેગરી, રૉ માર્ક્સ અને નોર્મલાઇઝેશન માર્ક્સની વિગતો સાથે પરિણામ જાહેર કરશે તો પરીક્ષા પધ્ધતિમાં વિશ્વાસ જળવાઇ રહેશે.’’
 
ઉમેદવારો કહે છે કે સામાન્ય રીતે દરેક પરીક્ષામાં મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, જેમાં દરેક ઉમેદવારનાં ગુણ અને બીજી વિગતો હોય છે. મેરીટ પ્રમાણે જેમના ગુણ વધારે હોય તેમને ભરતી પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે બોલવવામાં આવે છે.
 
વન રક્ષકની વર્ગ – 3ની પરીક્ષા આપનાર ઉમેદવારોનો આક્ષેપ છે કે તેમની પાસે માહિતી આવી છે કે સારા માર્કસ મેળવ્યા છતાં કેટલાકને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા નથી. બીજી બાજુ કેટલાક ઓછા માર્કસ મેળવનાર ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા છે.
 
રાજકોટમાં રહેતા વિશાલ વાઘેલા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, ''જ્યારે અમે મંડળને આ વિશે સવાલ કર્યો તો કહેવામાં આવ્યું કે પ્રસ્થાપિત કરેલ પ્રણાલિકા તેમજ ગોપનીયતાના કારણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. મંડળના આ નિર્ણયના કારણે સમગ્ર પ્રક્રિયા શંકાના દાયરામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ ફરી રહી છે જેમાં અલગ-અલગ દાવા થઈ રહ્યા છે.''
 
નર્મદા જિલ્લાના અલ્પેશ વસાવા કહે છે, ''મેં પરીક્ષામાં 123 ગુણ મેળવ્યા છે પરંતુ શારીરિક કસોટી માટે મારું નામ જાહેર થયું નથી. મને અવી માહિતી મળી છે કે 99 ગુણ મેળવનાર ઉમેદવારને શારીરિક કસોટીના લિસ્ટમાં નામ છે. મારી જેમ બીજા પણ ઉમેદવારો છે જેમનો આવો અનુભવ થયો છે. ગૌણ સેવા પસંદગી મંડળે આ વિશે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.''
 
પારદર્શિતાની માગ
  
 
ઉમેદવારોની મુખ્ય માગ છે કે નોર્મલાઇઝેશન માર્કસ જાહેર કરવામાં આવે જેથી પરીક્ષામાં તેમને જે ગુણ મળ્યા છે જે સાચા છે કે કેમ એની ખબર પડે.
 
કરણ વાઘેલા કહે છે, ''સીબીઆરટી પરીક્ષામાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સેશનમાં ઑનલાઇન પરીક્ષા લેવામાં આવે છે. ઑનલાઇન હોવાથી ક્યારેક પરીક્ષા કઠિન હોય છે કે સરળ પણ હોય છે. બધાં પ્રશ્નપત્રોમાં જે ગુણ હોય છે તેની સરેરાશ કાઢવામાં આવે છે.''
 
''જો પ્રશ્નપત્ર અઘરું હોય છે તો ઉમેદવારના ગુણમાં અમુક ગુણ ઉમેરવામાં આવે છે. જો પ્રશ્નપત્ર ઓછું કઠિન અથવા સહેલું હોય ત્યારે ઉમેદવારના ગુણમાંથી અમુક ગુણ ઘટાડી નાખવામાં આવે છે. આમ એટલા માટે કરવામાં આવે છે જેથી ઉમેદવારોને સમાન તક મળે. અમારી માગ છે ઉમેદવારોના ગુણ સાથે નોર્મલાઇઝેશન ગુણ પણ જાહેર કરવામાં આવે. તેનાથી સમગ્ર પ્રક્રિયમાં વિશ્વાસ જળવાય.''
 
ઉમેદવારો સીબીઆરટી પરીક્ષા પધ્ધતિનો પણ વિરોધ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે સીબીઆરટી પરીક્ષા દરમિયાન ટૅક્નિકલ ખામીઓ આવે છે જેના કારણે સમય બગડે છે. ટૅક્નિકલ ખામીને કારણે નિયત સમયમાં દરેક પ્રશ્નનો જવાબ આપી શકાતો નથી.
 
ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી કહે છે, ''સીબીઆરટી પરીક્ષા પધ્ધતિમાં આ સિવાય પણ અન્ય ખામીઓ છે. તેમાં ભાષાંતરની સમસ્યા આવે છે જેના કારણે ઉમેદવારોને મુશ્કેલી થઈ રહી છે. કેટલાક ઉમેદવારોને 200 માર્કમાંથી 160 કરતાં વધુ માર્કસ મળ્યા છે, જે નવાઇ પમાડે એવી વાત છે. અમારું અને દરેક ઉમેદવારનું માનવું છે કે ઑફલાઇન પરીક્ષા જ બધા માટે સારી છે.''
 
આ મામલે રાજકારણ ગરમાયું
વન રક્ષકની વર્ગ – 3ની ભરતી મામલે ગુજરાતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
 
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર તેમણે લખ્યું, ''ફૉરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ જોડે મોટાપાયે અન્યાય થયો છે જેથી વિદ્યાર્થીઓમાં ઘણી નારાજગી છે. સરકારે આ મામલે ઉમેદવારો દ્વારા જે માંગણી કરવામાં આવી છે, તેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ.''
 
સાથે તેમણે માગ કરી છે કે 2022માં આવેલી ફૉરેસ્ટ બીટ ગાર્ડની ભરતી હજુ સુધી પૂર્ણ થયેલ નથી જેથી આ બે વર્ષના સમયગાળામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા વર્તમાન જગ્યાઓમાં વધારો કરવામાં આવે.
 
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આ મુદ્દે ગુજરાત સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ સામે લડત ઉપાડી છે. તેમણે પ્રશ્ન કર્યો કે મંડળ ઉમેદવારોની જે માગો છે તેનાં પર ધ્યાન કેમ નથી આપી રહ્યું?
 
તેમણે કહ્યું કે "ગોપનિયતા એક ગતકડું છે અને તેમાં સરકારનું પોતાના કાંડને છુપાવવા માટેનું સુનિયોજીત કાંવતરૂ છે. સુરત અને તાપી જિલ્લાઓમાં પરીક્ષામાં કટ-ઑફ માર્ક 160 અથવા 175 છે, જે નવાઇની વાત છે. આ વિદ્યાર્થીઓએ કયા પુસ્તકો વાંચ્યા છે તે જણાવવું જોઈએ."
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, “ઉમેદવારોને નોર્મલાઇઝેશન પછી તેમના વ્યક્તિગત માર્ક્સ જોવા માટેની લિંક અમે આપી હતી. વિદ્યાર્થીઓની માગણી છે અને તેમણે આવેદન પણ આપ્યું છે કે કોને કેટલા માર્ક્સ મળ્યા છે તેને અમે પીડીએફ સ્વરૂપે જાહેર કરીએ. પરંતુ તે અંગેનો નિર્ણય મંડળ કરશે, પણ હાલમાં એ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. ”
 
કમ્પ્યુટર બૅઝ્ડ સિસ્ટમ નાબૂદ કરીને ઑફલાઇન પરીક્ષા યોજવાની ઉમેદવારોની માંગણી અંગે તેઓ જણાવે છે કે, “વિદ્યાર્થીઓએ આ અંગે આવેદન આપ્યું છે અને માગણી કરી રહ્યા છે પરંતુ એ અંગે પણ હાલમાં કોઈ નિર્ણય લેવાયો નથી. ”