શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જુલાઈ 2023 (22:06 IST)

Rain in Gujarat - ગુજરાતની આજુબાજુ નવી સિસ્ટમ સર્જાઈ, જાણો ક્યાં ક્યાં પડી રહ્યો છે વરસાદ?

junagadh rain
junagadh rain

Heavy Rain in Gujarat - ગુજરાતભરમાં હવે ચોમાસું બરાબરનું બેસી ગયું છે અને મોટા ભાગના જિલ્લા-તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગે પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો અબડાસાની ખારી નદી બે કાંઠે વહી રહી છે તેમજ રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે. આજે સવારે 6થી 2 વાગ્યા સુધીમાં જામનગરમાં 5 ઈંચ, ભુજમાં અઢી ઈંચ, કલ્યાણપૂર અને દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 26 તાલુકામાં 1થી 5 ઈંચ વરસાદ વરસ્યો છે
 
હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
 
આજના દિવસે આગાહી પ્રમાણે, મોટા ભાગના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તો કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે. તો કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કયા જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે અને કેટલા દિવસ સુધી રહેશે વરસાદી માહોલ?
 
ક્યાં ક્યાં પડી રહ્યો છે વરસાદ?

આજે રાજ્યના 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા પર ગોઢણસમા પાણી ભરાઈ ગયા હતા. કચ્છના ભુજ અને નખત્રાણા વહેલી સવારથી જ વરસાદ ખાબકતા માર્ગો પર વરસાદી પાણી વહી નીકળ્યાં હતાં તેમજ નખત્રાણા હિલ સ્ટેશન બન્યું હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એને પગલે આજે સવારથી જ અનેક પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
 
સુરેન્દ્રનગરના સાયલા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સાયલાના છેવાડાના ગામને દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
 
આ સાથે લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ યથાવત્ છે. છેલ્લા બે દિવસથી લીંબડી તાલુકામાં ભારે વરસાદ પડતા અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયાં છે. સુરેન્દ્રનગરના હીરાસર ગામ પાસે આવેલા મોરસલ ડૅમ 80 ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે.
 
આ ઉપરાંત ડૅમની પૂર્ણ જળસપાટી 177 મીટર છે, જેમાંથી 176.6 મીટર ભરાઈ ગયો છે. પાણીની ધીમી આવક ચાલુ હોવાને કારણે ડૅમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે.
 
તેથી ડૅમની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચોટીલા તાલુકાના હબિયાસર અને નાની મોરસલ તેમજ સાયલા તાલુકાના મંગલકુઈ, મોટી મોરસલ, સેખપર, સેજકપર અને ટીટોળા ગામના લોકોને બંધના ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર-જવર ન કરવા કહેવામાં આવ્યું છે.
 
આ સાથે મોરબીમાં સવારથી 18 મિમી, ટંકારામાં 6 મિમી, માળિયામાં 7 મિમી, વાંકાનેરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.
 
આજે કયા જિલ્લામાં આગાહી?
 
હવામાનવિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે શનિવારે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. શનિવારે વહેલી સવારથી જ રાજકોટ, મોરબી, અમરેલી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે શનિવારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ)માં ઠેકઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
તો આ સાથે જ કેટલાક જિલ્લા એવા છે જ્યાં છૂટોછવાયો ભારે વરસાદ થઈ શકે છે. આ જિલ્લામાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા અને બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છ જિલ્લામાં પણ છૂટોછવાયો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સતત વરસાદ પડવાને કારણે હરિદ્વાર પાર્ક, એસબીઆઈ ગુલાબનગર પાછળ, હરિદ્વાર સોસાયટી, મોહનનગર, નારાયણનગરમાં પાણી ભરાઈ ગયાં છે. 
બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.