ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (10:54 IST)

ગુજરાતમાં આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતાઓ, રાજ્યમાં 8 સ્ટેટ હાઈવે સહિત 89 માર્ગ હજી પણ બંધ

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 21 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી હતી. જેમાં રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76, 558 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 52.85 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 3,98 753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 05 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે. NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડિપ્લોય કરવામાં આવેલી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર-સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે. 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવેલી છે. ભટીંડા પંજાબથી આવેલી 05 ટીમ પૈકી 1- રાજકોટ,1-પોરબંદર,1- દેવભૂમિ દ્વારકા,2-જામનગર ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે.