રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જૂન 2022 (11:07 IST)

24થી 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થશે

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી દૈનિક છુટાછવાયા સાથે સારો વરસાદ પડી રહ્યો છે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

24મી જૂને થંડરસ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં વરસાદની હજુ રાહ જોવી પડશે. છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં 42 મિમી, વિરમગામમાં 23 મિમીથી વધુ વરસાદ પડ્યો છે.ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.24મી જૂનથી 26મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાહત કમિશનરએ નવસારી જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમોને વરસાદની આગાહી મુજબ મૂકવા સૂચન કર્યું હતું.

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત 10,24,422 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20 જૂન 2022 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 6,89,472 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 11.78 ટકા વધુ વાવેતર થયું છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 1,49,972 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 44.89 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,88,241 MCFT પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૩૩.૭૨ ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નિંગ પર છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદના કારણે પાણીની સારી આવક થઇ છે.રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જોકે વરસાદનું જોર નરમ પડતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે હજુ 70 ટકા વિસ્તારમાં વાવણી પણ બાકી છે. મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય કોઈ વધુ મહેર નથી થઈ. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વિતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. રાજ્યમાં હજુ સિઝનનો માંડ 4 ટકા વરસાદ વરસ્યો છે. 5 જિલ્લાને બાદ કરતાં બાકીના 28 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી.