આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવનાઃ ભારતીય હવામાન વિભાગ  
                                       
                  
				  				   
				   
                  				  ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. 
		 
		જ્યારે વલસાડ જિલ્લામાં આગામી તા.૨૪મી જૂનથી ૨૬મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. રાહત કમિશનરે નવસારી જિલ્લામાં એક તથા અન્ય જિલ્લાઓમાંએન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટીમોને વરસાદની આગાહી મુજબ મૂકવા સૂચન કર્યું હતું.
		 
		કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત ૧૦,૨૪,૪૨૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૦/૦૬/૨૦૨૨ સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૬,૮૯,૪૭૨ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૧.૮૭ ટકા વધુ વાવેતર થયું છે.
 
							
 
							 
																																					
									  
		 
		સિંચાઇ વિભાગનાઅધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૪૯,૯૭૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૪૪.૮૯ ટકા છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૮,૨૪૧ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૩૩.૭૨ ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નિંગ પર છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદના કારણે પાણીની સારી આવક થઇ છે.
		 
		આ બેઠકમાં એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ., ઉર્જા, માર્ગ અને મકાન, આરોગ્ય, વન વિભાગ, સી.ડબલ્યુ.સી, ઇસરો સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અઘિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.