શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 મે 2021 (12:45 IST)

હાઇકોર્ટે કહ્યું કે, રેમડેસિવિર કેન્દ્ર સરકાર રાજ્યને કઈ રીતે આપે છે કેટલા આપે એ પણ અમે પુછીશું.

કોરોના વાયરસ સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં આજે ફરી સુનાવણી શરૂ કરાઈ હતી. જેમાં એડવોકેટ અમિત પંચાલે ભરુચની હોસ્પિટલમાં આગની દુર્ઘટના અંગે રજૂઆત કરી હતી. જેમાં હોસ્પિટલ પાસે ફાયર NOC નહોતું તેવી જાણ કરવામાં આવી હતી. સાથે જ આવા બનાવના રોકવા માટે હવે સરકારે ગંભીરતાથી જોવું જોઈએ તેમ કહ્યું હતું. સાથે હાઈકોર્ટે પણ કહ્યું હતું કે, આ દુઃખદ ઘટના છે, આ ફાયર NOC મામલે આવતા અઠવાડિયે વધુ એક સુનાવણી કરીશું. હાઈકોર્ટની સુનાવણી દરમિયાન સીનિયર એડવોકેટ પરસી કવિના ટેસ્ટિંગની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક શહેરોમાં રિસોર્સની અછત સર્જાય છે જેમાં ઘણા પ્રોબ્લેમ છે જેમાં મુખ્ય 3 સમસ્યા છે જેમાં પહેલું છે ટેસ્ટનું રિપોર્ટિંગ જે લેટ થાય છે, બીજું છે જેમાં કેટલાક જિલ્લાના ગામોમાં ટેસ્ટિંગની વ્યવસ્થા નથી અને જ્યાં વ્યવસ્થા છે ત્યાં સાધનો ઘૂળ ખાય છે ત્યાં પૂરતો સ્ટાફ નથી. આ ગંભીર બાબત છે. તેમણે કહ્યું, અમારા એડવોકેટ એસો.એ જિલ્લાના બાર એસો.જોડે વાત કરીને પરિસ્થિતિઓ જાણી છે એને ધ્યાનમાં લઈને આજે રજૂઆત કરી એ છે. સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, તાપી નર્મદા,પંચમહાલ અને બનાસકાંઠામાં પણ ટેસ્ટિંગની સુવિધાઓ અભાવ છે. ધન્વતંરી રથ પણ ક્યાંય લોકો સુધી પહોંચ્યા નથી. તેઓ PHC સેન્ટર આગળ જ પાર્ક હોય છે. નાના શહેરો અને ગામડાઓમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, સુવિધાઓ અને સારવાર નો અભાવ છે. એડવોકેટ પરસી કવિનાએ આગળ કહ્યું, DRDO હોસ્પિટલમાં 600 જેટલા જ બેડ કાર્યરત છે એ કેમ બધા ચાલુ કરવામાં નથી આવતા. તમે DRDO હોસ્પિટલમાં બાથરૂમ જોવો તો ખબર પડે કેટલી ગંદકી છે. ગાંધીજી તો ક્યારના સફાઈ અને સ્વચ્છતાની વાત કરી ગયા છે આપણને આની વ્યવસ્થા હજી નથી આવડી. કોઈ સ્ટાફ નથી ત્યાં સફાઈ કામદારોનો. RT-PCR ટેસ્ટિંગના આંકડામાં ઘણો ફેરફાર જોવા મળે છે. આ યોગ્ય નથી. 26 જગ્યાએ RT-PCR ચાલુ કરવામાં આવ્યા, ત્યાં પણ કોઈ આંકડા મળતા નથી. RT-PCRની કીટ પણ સરકારી જગ્યાએ ઓછી આપે છે એટલે ટેસ્ટ ઓછા થાય છે, એટલે ટેસ્ટિંગ ઓછા થાય છે અને કેસ ઓછા આવે છે. સરકારને એવું લાગે છે કે રાહત થઈ. વેક્સિનેશનમાં પણ ફિયાસકો થયો છે. સરકારે કેટલા ડોઝ મંગાવ્યા એ તો જાહેરાત કરે છે પણ કેટલા આવ્યા એ પણ કહેવું જોઈએને કેમ જણાવતા નથી. એડવોકેટ પરસી કવિનાની દલીલ પર હાઇકોર્ટે કહ્યું કે, રેમડેસિવિર કેન્દ્ર સરકાર રાજ્યને કઈ રીતે આપે છે કેટલા આપે એ પણ અમે પુછીશું. એડવોકેટ શાલીન મહેતાએ કહ્યું કે, હજી ઓક્સિજનની અછત છે. ઓક્સિજન વગર દર્દોઓ હાલત ગંભીર થઈ રહી છે. દરેક હોસ્પિટલ દર્દીઓને ઓક્સિજન માટે ના પડે છે એવું ન કરવું જોઈએ આ બાબતે સરકારે કઈ કરવું જોઈએ હોસ્પિટલમાં તો ઓક્સિજન પૂરો પાડવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કોરોનાની ચેઇન તોડવા રાજ્યમાં લોકડાઉનની જરૂર લાગે તો લોકડાઉન લાદવા માટે કહ્યું છે. લગ્નમાં 50 લોકોની હાજરી યોગ્ય નથી. સંક્રમણ વધી શકે છે. DRDO હોસ્પિટલમાં જમવાનું 4 વાગે મળે છે અને દર્દીઓને બાથરૂમ લઈ જવા માટે કોઈ હોતું નથી. 1 કલાક બેડમાં બેસી ને રાહ જોવી પડે છે. રાજ્યમાં 1190 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર સામે કેન્દ્ર 975 મેટ્રીક ટન ઓક્સિજન પૂરો પાડે છે જ્યારે બાકીનો જથ્થો રાજ્ય સરકાર અન્ય રીતે મેળવતી હોવાનો દાવો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી એફિડેવીટમાં સરકારે કર્યો છે. રેમડેસિવિરના ડોઝમાં પણ અમદાવાદ જિલ્લાને કુલ જથ્થાના 25.44 ટકા આપી દેવામાં આવે છે. એફિડેવીટમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની માગણીને કારણે કેન્દ્રએ 200 મેટ્રીક ટન જેટલો વધારે મેડિકલ ઓક્સિજનનો જથ્થો આપ્યો છે. રાજ્ય કક્ષાએ સરકારે ઓક્સિજન સપ્લાય માટે કંન્ટ્રોલરૂમ પણ તૈયાર કર્યો છે.