સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જૂન 2020 (12:48 IST)

6 માસની ફી માફ નહીં થાય તો વાલીઓની 18મીથી આંદોલનની ચીમકી

કોરોનાના કપરા કાળમાં માધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી થઈ છે. ખાનગી શાળાના સંચાલકો ફી ભરવા વાલીઓને દબાણ કરી રહ્યા છે.  ત્યારે વાલીઓ હવે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. કોરોનાની આ મહામારીમાં એક સત્રની ફી માફ કરો તેવી માંગ ઉઠી છે. જો સરકાર નહિ સાંભળે તો 18મી જૂનથી આંદોલન કરવાની ચીમકી વાલી મંડળે ઉચ્ચારી છે. કોરોના વાયરસના વધતા કેસના કારણે લોકડાઉન જાહેર કરાયું ત્યારથી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે. શાળાઓને કોઈ પણ પ્રકારનો ખર્ચ થયો નથી છતાં ખાનગી શાળાઓએ વાલીઓને ફી ભરવાના મેસેજ કર્યા અને  વાલીઓને ફી ભરવા દબાણ કરતા હાલ વિવાદ સર્જાયો છે. ત્યારે સરકારને રજૂઆત કરવા છતાં સરકાર નહિ સાંભળતી હોવાની વાલીઓની વેદના સામે આવી છે.બીજી તરફ શિક્ષણ મંત્રી દ્વારા વાલીઓને નવેમ્બર સુધી એકસાથે નહિ પણ મહિને મહિને ફી ભરી શકશે તેવી વાત કરી છે. જેને લઇ વાલીઓમાં રોષ છે. વાલીઓએ સ્કૂલ માં શિક્ષણ નહિ તો ફી નહીં અભિયાન ચલાવ્યું છે. વાલીઓની આ વેદના સરકારએ નહિ સાંભળતા વાલીઓ વિપક્ષ પાસે પહોંચ્યા હતા. વાલીઓ વતી વાલી મંડળના નરેશ શાહ, પ્રકાશ કાપડિયા, અમિત પંચાલ સહિત પ્રતિનિધિઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી વિપક્ષે આ મામલામાં દરમિયાનગીરી કરવા રજુઆત કરી હતી.વાલી મંડળના પ્રતિનિધિ ઓનું કહેવું છે કે માર્ચ મહિના થી શિક્ષણ બંધ છે અને સપ્ટેમ્બર સુધી શિક્ષણ શરૂ થઈ શકે તેમ નથી ત્યારે એક સત્ર એટલે કે 6 મહિનાની ફી સરકારે માફ કરાવવી જોઈએ. એટલું જ નહીં આર્થિક રીતે કફોડી હાલતમાં મુકાયેલા વાલીઓ માટે સરકાર કોઈ ખાસ સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. જો સરકાર ન્યાય નહિ આપે તો 18 જૂનથી આંદોલન કરવાની ચીમકી વાલી મંડળે ઉચ્ચારી છે.બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વાલીઓની આ માંગને યોગ્ય ગણાવી છે. વાલી મંડળની આ માંગણીઓ સરકાર સામે ઉગ્ર રજુઆત સાથે મુકીશું. એટલુંજ નહિ વાલીઓના આંદોલનને પણ જરૂરી સહકાર આપીશું .સાથે જ કોંગ્રેસની યુવા પાંખ NSUI વાલીઓની આ વેદનાને વાચા આપવા ઓનલાઈન આંદોલન ચલાવી રહી છે. તે પણ વાલીઓના આ આંદોલનને સમર્થન આપશે.  મહત્વનું છે કે ફી મામલે વાલીઓનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે તેવામાં આગામી દિવસોમાં મોટા આંદોલનમાં પરિવર્તિત થાય તો નવાઈ નહી.