ગુજરાતમાં દરરોજ સરેરાશ 5 દુષ્કર્મ અને 12 દિવસે 1 ગેંગરેપ, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં અધધ 3796 કેસ નોંધાયા
સલામત ગણાતા ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 3796 દુષ્કર્મના કેસ અને 12 દિવસે સરેરાશ 1 ગેંગરેપનો કેસ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 5 દુષ્કર્મના બનાવો બની રહ્યા છે. બે વર્ષ દરમિયાન 61 સામુહિક દુષ્કર્મના કેસ નોંધાયા છે. ચિંતાજનક વાત એ છે કે, આ બનાવોમાં જેની સામે ગુનો નોંધાયો છે તેમાંના 203 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે.રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નોંધાયેલા દુષ્કર્મના બનાવોની જે માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે તેમાં દુષ્કર્મના સૌથી વધુ 729 બનાવો અમદાવાદમાં નોંધાયેલા છે. એટલે કે અમદાવાદમાં દરરોજ સરેરાશ એક બનાવ બની રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સામુહિક દુષ્કર્મના 16 બનાવ બન્યા છે.રાજ્યમાં દુષ્કર્મના બનાવોની સાથે સામુહિક દુષ્કર્મના પણ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં બે વર્ષ દરમિયાન સામુહિક દુષ્કર્મના 61 બનાવ બન્યા હોવાની વિગતો સામે આવી છે. સામુહિક દુષ્કર્મના સૌથી વધુ 16 બનાવ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યના 22 જિલ્લાઓ એવા છે કે, જ્યાં છેલ્લા બે વર્ષ દરમિયાન એક કે એકથી વધુ સામુહિક દુષ્કર્મના બનાવો બની ચૂક્યા છે.સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓની વાત કરીએ તો, અહીં છેલ્લા બે વર્ષ દરમિયાન દુષ્કર્મના 1041 અને ગેંગરેપના 25 બનાવો નોંધાયા છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ કચ્છમાં 166 અને સૌથી ઓછા પોરબંદરમાં 24 કેસ નોંધાયા છે. આ જે બનાવો નોંધાયા છે તે ગુનાઓમાં 43 આરોપીઓ હજી પણ પકડવાના બાકી છે.છેલ્લા બે વર્ષ દરમિયાન મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓમાં દુષ્કર્મના 1385 કેસ નોંધાઈ ચૂક્યા છે. મધ્ય ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 729 અને સૌથી ઓછા આણંદમાં 52 કેસ નોંધાયા છે. મધ્ય ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જેની સામે દુષ્કર્મના કેસ નોંધાયા છે તેમાંના 74 આરોપીઓને હજી પકડવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન દુષ્કર્મના 544 અને ગેંગરેપના 4 કેસ નોંધાયા છે. છેલ્લા બે વર્ષ દરમિયાન દુષ્કર્મ કેસના 40 આરોપીઓ હજી પણ પકડવાના બાકી છે.દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન દુષ્કર્મના 826 અને ગેંગરેપના 9 કેસ નોંધાયા છે. સૌથી વધુ સુરતમાં 508 અને સૌથી ઓછા ડાંગમાં 7 કેસ નોંધાયા છે. દક્ષિણ ગુજરાતમાં 55 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે.