વડોદરામાં UP માફક દાદાનું બુલડોઝર ફરી વળશે : તોફાનીઓની મિલકતોનો સર્વે
વડોદરા શહેરમાં રામનવમી પર્વ અંતર્ગત નીકળેલી બે શોભાયાત્રા ઉપર તોફાનીઓએ પથ્થરમારો કરતા વાતાવરણ ડહોળાયું હતું. કોમી તોફાન ઉગ્ર સ્વરૂપના ધારણ કરે તે માટે રાજ્યના ગૃહમંત્રીએ તાકીદે બેઠક બોલાવી તોફાનીઓ સામે કડક કાર્યવાહીના આદેશ જારી કર્યા હતા. તે બાદ ગત મોડીરાત્રે કોર્પોરેશનની કચેરી ખાતે બુલડોઝર ગોઠવાતા યુપી માફક દાદાના બુલડોઝર હવે મેદાનમાં ફરશે તે મુદ્દો ચર્ચિત બન્યો છે. તો બીજી તરફ, હાલ કોર્પોરેશન દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગતરોજ રામનવમી અંતર્ગત વડોદરામાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન થયું હતું. વાંજતે ગાજતે નીકળેલ શોભાયાત્રાઓએ વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. તેવામાં ફતેપુરા ચાર રસ્તા પાસે ઉપરાછાપરી બે શોભા યાત્રા ઉપર તોફાનીઓએ પથ્થરમારો કરતા વાતાવરણ ડહોળાયું હતું. અને સમગ્ર વડોદરામાં માહોલ તંગ બન્યો હતો. અને ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડતા કોમી હિંસા ઉગ્ર રૂપ ધારણ ન કરે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી તોફાનીઓને કાયમી પાઠ ભણાવવા તખતો ગોઠવ્યો હતો. તો બીજી તરફ, મોડીરાત્રે પાલિકાની કચેરી કાર્યરત બની હતી. અને કચેરી બહાર દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે તૈનાત થતાં યુપી વાળી થવાની ચર્ચા લોક મૂખે રહી હતી.
હાલ, વહેલી સવારથી કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓએ પાંજરીગર અને ફતેપુરા સહિતના વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમ્યાન 15 જેટલી મિલકતોના ગેરકાયદેસર દબાણ સામે પાલિકા લાલ આંખ કરશે તેવું સપાટી પર આવ્યું છે. સુચના મળતા જ બપોર બાદ કોર્પોરેશનની દબાણ શાખા ગેરકાયદેસર દબાણ તોડવાની કામગીરી હાથ ધરશે તેવું આધારભુત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.