કોરાનામાં 9થી 12માં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ રદ કરવા સૂચના
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12માં કોરોનાકાળમાં બદલાયેલી પરીક્ષા પદ્ધતિ રદ કરી 2019-20માં નક્કી કરેલી પરીક્ષા પદ્ધતિને અનુસરવા સૂચના આપી દીધી છે. ધોરણ 10ની માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં 50 ટકા એમસીક્યુ (ઓએમઆર) પદ્ધતિને સ્થાને 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. બોર્ડની પરીક્ષામાં ધો.10માં બોર્ડની પરીક્ષાનો ગુણભાર 70 ટકાના બદલે 80 ટકાનો રહેશે. આંતરિક મૂલ્યાંકનના 20 ટકા રહેશે.બોર્ડના 80 માર્કના પ્રશ્નપત્રમાં 20 ટકા (16 માર્ક) હેતુલક્ષી પ્રશ્નો રહેશે તેમ જ 80 ટકા (64 માર્ક) ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, નિબંધલક્ષી પ્રશ્નો હશે. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનને સ્થાને આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક રહેશે, જેમાં 5 માર્ક પ્રથમ કસોટીમાં મેળવેલા માર્કના, પાંચ માર્ક બીજી કસોટીમાં મેળવેલા માર્ક્સના, પાંચ માર્ક નોટબુક સબમિશનના, પાંચ માર્ક સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીના રહેશે.ધોરણ 12 સાયન્સમાં ગણિત, રસાયણ વિજ્ઞાન,ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી (પ્રથમ ભાષા), અંગ્રેજી (પ્રથમ ભાષા) અને હિન્દી (પ્રથમ ભાષા) વિષયોમાં એનસીઈઆરટીના પાઠયપુસ્તકોનો અમલ કરવાનો રહેશે. ધોરણ 9થી 12ના વર્ષ 2019-2020માં તૈયાર કરેલા પ્રશ્નપત્રના પરિરૂપ,ગુણભારનો અમલ શૈક્ષણિક વર્ષ 2022-23ની વાર્ષિક પરીક્ષા, અન્ય શાળાકીય પરીક્ષા માટે અમલ કરવાની સૂચના અપાઈ છે.