રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 જાન્યુઆરી 2019 (12:57 IST)

'ચાર બંગડીવાળી ગાડી' ગીત ન ગાવાના આદેશને કિંજલ દવેએ હાઇકોર્ટમાં પડકાર્યો

ગુજરાતી ગાયક કિંજલ દવેનુ 'ચાર બંગડીવાળી ગાડી' ગીત ઇન્ટરનેટ પરથી હટાવવા તેમજ કોમર્શિયલ કાર્યક્રમમોમાં આ ગીત ન ગાવાના અમદાવાદની કોમર્શિયલલ કોર્ટના વચગાળાના આદેશને પડકારતી અરજી કિંજલ દવેએ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એ.પી. ઠાકર સમક્ષ કરી છે. કોમર્શિયલ કોર્ટમાં દાવો કરનારા યુવકે હાઇકોર્ટમાં આ મુદ્દે કેવિયેટ દાખલ કરી સમયની માગણી કરી છે તેથી કેસની સુનાવણી આજે ૨૩મી જાન્યુઆરી પર મુકરર કરી છે.
કિંજલ દવેએ રજૂઆત કરી છે કે કોમર્શિયલ કોર્ટનો આદેશ એકતરફી અને અન્યાયી છે. આ ગીત તેની અને તેની કંપનીની મૌલિક રચના છે. ગીત પરના હકો તે જતા કરવાનો આદેશ ગેરકાયદે છે તેથી હાઇકોર્ટે તેની અરજી સાંભળવી જોઈએ અને કોમર્શિયલ કોર્ટના આદેશને રદબાતલ ઠેરવવો જોઈએ. જો કે કોમર્શિયલ કોર્ટમાં કિંજલ દવે વિરૃધ્ધ કોપીરાઇટનો દાવો કરનારા યુવકે હાઇકોર્ટમાં કેવિયેટ દાખલ કરી માગણી કરી છે કે હાઇકોર્ટ તેનો પક્ષ સાંભળ્યા વિના કોઈ નિર્ણય ન લે. તેથી હાઇકોર્ટે આવતીકાલે બન્ને પક્ષને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ કર્યો છે.
ઓસ્ટ્રેલિયામાં 'કાઠિયાવાડી કિંગ' તરીકે જાણીતા અને જામનગરના વતની કાર્તિક પટેલે અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો દાવો કર્યો હતો કે કિંજલ દવે 'ચાર બંગડીવાળી ગાડી'થી પ્રસિદ્ધ થઈ છે અને તેની કારકિર્દી આ ગીતના કારણે જ છે, પરંતુ આ ગીતની તેણે નકલ કરી છે. આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ ૨૦૧૬માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં નહીંવત્ ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું અને ઓક્ટોબર-૨૦૧૬માં તેનો વીડિયો યુટયૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. નકલ કરાયેલું ગીત ત્યારબાદ બધે પ્રસિધ્ધ થયું હતું. આ રજૂઆતને ધ્યાને લઈ કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને નોટિસ પાઠવી ગીતના વેચાણ પર વચગાળાનો પ્રતિબંધ ફરમાવ્યો હતો ઉપરાંત ઇન્ટરનેટ પરથી પણ આ ગીત હટાવી લેવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.