રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 નવેમ્બર 2019 (11:50 IST)

50 યુવાનો મોટરબાઈક ઉપર ઉજ્જૈનથી ગોધરા આવી પહોંચ્યા

50 યુવાન બાઈકચાલકોનુ એક જૂથ વારાણસીથી પ્રવાસ શરૂ કરીને 12 દિવસની મુસાફરીમાં 2500 કી.મી.થી વધુ અંતર કાપીને ગુજરાતમાં તેમના આખરી મુકામ આણંદ ખાતે પહોંચશે. તા. 15મીના રોજ વારાણસીના પવિત્ર ઘાટથી શરૂ કરીને પ્રયાગરાજના પવિત્ર સંગમ, નવાબોના શહેર લખનૌ, કાનપુર, આગ્રા ગ્વાલિયર, ભોપાલ, વિદિશા, , ઉજ્જેન અને ઈન્દોર થઈને આ રેલી ગઈ કાલે ગોધરા આવી પહોંચી છે.
 
ઉજ્જૈનમાં સાંચી દૂધ સંઘની મુલાકાત લીધા પછી પોતાનો બાઈક પ્રવાસ આગળ ધપાવીને  23મીના રોજ રાત્રે ઈંદોર આવી પહોંચ્યા હતા. તેમણે તેમના દિવસની શરૂઆત એલઆઈજી ગુરૂદ્વારામાં પ્રાર્થનાથી કરી હતી. તેમણે ઈન્દોરના સેલ્ફી પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી અને અમૂલના પાર્લર ઉપર પરિવારોને મળીને લોકોને શ્વેત ક્રાંતી અંગે જાણકારી આપી હતી. ત્યાંથી તે ગોધરા તરફ આગળ વધ્યા હતા અને ધારના અમુલ પાર્લર નજીક બળતણ ભરાવ્યું હતું અને નાસ્તાની મોજ માણી હતી. 
બાઈકર્સ સાંજે અમૂલ ગોધરા ડેરીએ પહોંચ્યા હતા. ત્યાં પંચમહાલ દૂધ સંઘના ચેરમેન અને જીસીએમએમએફના વાઈસ ચેરમેન જેઠાભાઈ આહીર (ભરવાડ)  અને એમડી એસ એલ પાઠકે તેમનુ સ્વાગત કર્યું હતું. ચેરમેને બાઈકચાલકોના વારાણસીથી ગુજરાત સુધીના સાહસિક પ્રવાસને બિરદાવ્યો હતો. તેમણે નાના ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટેના ડો. કુરિયનના યોગદાન અને સમર્પિત પ્રયાસોને  બિરદાવ્યા હતા. 
 
મેનેજીંગ ડિરેકટર પાઠકે ડો. કુરિયનને સમગ્ર ડેરી ઉદ્યોગના આદર્શ રોલ મોડેલ તરીકે બિરદાવ્યા હતા. તેમણે કહ્યું કે ડો. કુરિયને  ખેડૂતોના ઉત્કર્ષની સાથે સાથે દરેક પરિવારમાં મહિલા સશક્તિકરણનુ કામ કર્યું છે. આ સમારંભ પહેલાં બાઈકર્સ વાવડી ખુર્દ ગામમાં જઈને ખેડૂતોને મળ્યા હતા. તેમણે ગ્રામ દૂધ સહકારી મંડળીમાં સાંજે દૂધ એકત્રીકરણની પ્રક્રિયા પણ નિહાળી હતી. લોકોને મળીને તેમનુ અભિવાદન પ્રાપ્ત કર્યા પછી બાઈકર્સે ગોધરામાં રાત્રી રોકાણ કર્યું હતું. આજે તે આણંદના આખરી મુકામે પહોંચે તે પહેલાં રસ્તામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગયા હતા.