શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 મે 2020 (12:05 IST)

ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના ર૧પ૦૦ શ્રમિકોને ૧૮ જેટલી વિશેષ ટ્રેન મારફત વતનમાં મોકલ્યા

પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં અન્ય રાજ્યોના ગુજરાતમાં વિવિધ શહેરોમાં વસતા શ્રમિકોને પોતાના વતન-રાજ્ય જવાની વ્યવસ્થા માટે ભારત સરકારના દિશાનિર્દેશ મુજબ રાજ્ય સરકારના તંત્રને પ્રેરિત કર્યુ છે. શનિવારથી અત્યાર સુધીમાં ત્રણ દિવસમાં ૧૮ ટ્રેન મારફતે ર૧પ૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન-રાજ્ય મોકલવામાં આવ્યા છે.
 
અત્યાર સુધીમાં સુરતથી ઓરિસ્સા માટે ૭ ટ્રેન, ઝારખંડ ને બિહાર માટે એક-એક ટ્રેન, અમદાવાદથી યુ.પી માટે ૬ ટ્રેન, બિહાર માટે ૩ ટ્રેન તેમજ વડોદરા, નડિયાદ અને પાલનપુરથી યુ.પી. માટે એક-એક ટ્રેન એમ ૧૮ ટ્રેનની વ્યવસ્થાઓ ભારત સરકારે રાજ્ય સરકાર સાથેના સંકલનમાં કરી આપી છે. પરપ્રાંતિય અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારો માટેની ટ્રેન વ્યવસ્થા ભારત સરકાર દ્વારા રાજ્યને જેમ ટ્રેન મળતી જશે તેમ કરવામાં આવશે. એટલું જ નહિ, આવા શ્રમિકોએ જે-તે જિલ્લા કલેકટરની હેલ્પલાઇન ૧૦૭૭ ઉપર નોંધાવાનું પણ રહેશે.
 
ખાસ કરીને સુરતમાં વસેલા-સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાઓના વતની રત્નકલાકારો જો પોતાના વતન જવા માંગતા હોય તો એ અંગે પણ યોગ્ય વિચારણાઓ હાથ ધરી છે. આવા રત્નકલાકારો જ્યારે તેમના વતન ગામ જાય ત્યારે કોરોના ફેલાય નહિ અને તેઓ સુરતમાં પરત પણ ફરી શકે તે માટેની સમગ્ર બાબતો અંગે રાજ્ય સરકાર વિચારાધિન છે. આ સમગ્ર બાબતે રાજ્ય સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે. હાલ આ અંગે કોઇ નિર્ણય કરાયો નથી.
 
આવા રત્ન કલાકારોને તબક્કાવાર અને સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે મંજૂરી, મળે તેમનું સુરતમાં સ્ક્રીનીંગ થાય તેમજ તેમના વતન જિલ્લામાં જ્યારે તે પહોચે ત્યારે ત્યાં પણ સ્કીનીંગ થાય, ગ્રામ પંચાયત કે નગરપાલિકા નક્કિ કરે તે રીતે ૧૪ દિવસ માટે આવા રત્ન કલાકારને હોમ અથવા પબ્લીક કવોરેન્ટાઇન  સ્થળે કવોરેન્ટાઇન થવાનું રહેશે.
 
તેમજ જો શરદી, તાવ, ખાંસી કે બિમારીના લક્ષણો હોય તો તેમને જવા દેવાની પરવાનગી નહિ અપાય અને તેઓ એકવાર પોતાના વતન જાય તે પછી ૧૪ દિવસ અને ૧ માસ સુધી સુરત પાછા ફરી નહિ શકે તેવી બધી જ બાબતોની સર્વગ્રાહી રણનીતિ સુરત જિલ્લા કલેકટર સૌરાષ્ટ્રના જે-તે જિલ્લા કલેકટરો સાથે મળીને રાજ્ય સરકારના દિશાનિર્દેશનમાં તૈયાર કરશે. 
 
અશ્વિની કુમારે જણાવ્યું હતું કે ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોના ૬૧ લાખ APL-1 કાર્ડધારકોને અઢી કરોડ જેટલા લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી છે તેનો આગામી તા. ૭મી મે થી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવશે. આ અનાજ વિતરણ રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો સાથે કરવામાં આવશે. એટલું જ નહિ, અનાજ મેળવવા આવનારા તમામ ગ્રાહકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. ‘માસ્ક નહિં તો અનાજ નહિ’ એ અભિગમ અપનાવશે.
 
તેમણે જણાવ્યું કે, જે APL-1  કાર્ડધારકોના રેશનકાર્ડના છેલ્લા આંક ૧ અને ર છે તેમને તા. ૭મી મે, ૩ અને ૪ છેલ્લા આંક વાળા કાર્ડધારકોને તા. ૮મી મે, પ અને ૬ છેલ્લો આંક હોય તેમને તા. ૯મી મે તથા ૭ અને ૮ વાળા કાર્ડધારકોને તા. ૧૦મી તેમજ ૯ અને ૦ આંક ધરાવનારા APL-1 કાર્ડધારકોને તા. ૧૧મી મે એ અનાજ વિતરણ કરવામાં આવશે. જો કોઇ APL-1  કાર્ડધારક લાભાર્થી તેના નિર્ધારીત ફાળવેલા દિવસે અનાજ લેવા ન જઇ શકે તો તેને તા. ૧રમી મે એ અનાજ વિતરણ કરવામાં આવશે.
 
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ મુજબ ગુજરાતમાં લોકડાઉનના ત્રીજા તબક્કાના અમલ અંગે ઓરેંજ-ગ્રીન ઝોનમાં ઊદ્યોગો શરૂ કરવાની આપેલી છૂટછાટ અન્વયે આશરે ૩ હજાર જેટલા ઊદ્યોગો જામનગર અને જૂનાગઢ મહાનગર વિસ્તારોમાં શરૂ થયા છે. અંદાજે રપ થી ૩૦ હજાર શ્રમિકોને રોજગાર મળતો થયો છે.
 
તેમણે ઉમેર્યુ કે, આવા ગ્રીન ઝોન વિસ્તારોમાં એસ.ટી. બસ સેવાઓ પણ પચાસ ટકા પેસેન્જર ક્ષમતા સાથે ધીરે ધીરે શરૂ થઇ જશે. રાજ્યના ગ્રીન-ઓરેન્જ ઝોન વિસ્તારોમાં જનજીવન ઝડપથી પૂર્વવત થઇ રહ્યું છે અને દુકાનો, ઊદ્યોગો-વેપાર વણજ પણ શરૂ થવા માંડયા છે.