શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 જાન્યુઆરી 2022 (16:54 IST)

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસ, ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી

અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. બે કટ્ટરવાદી સંગઠન આ હત્યા કેસમાં સામેલ હોવાનું સામે આવતાં હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે.

તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ છે. બીજી તરફ, આ કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધંધૂકાની મસ્જિદમાં પણ સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે.
 
જમાલપુરમાં રહેનારા મૌલવીનો પરિવાર ઘરમાં તાળુ મારીને ફરાર થઈ ગયો છે. અહી મૌલવી તેના બે દિકરા અને પત્ની સાથે રહેતો હોવાનુ જાણવા મળ્યુ છે.  ગુજરાતના નાનકડા ગામ ધંધૂકામાં એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવાના બનાવ બાદ આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓને અન્ય ધર્મ વિરુદ્ધ ભડકાવવા સુધીની વિગતો પોલીસ સામે આવી છે. આરોપીઓએ પાકિસ્તાન સ્થિત સંગઠનનાં ભડકાઉ ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઇના મૌલાનાઓની થયેલી મીટિંગના સંદર્ભમાં હત્યા કરવાનું નકકી કર્યું હતું.
 
પાકિસ્તાની કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવીનાં ભાષણો સંભળાવવામાં આવ્યાં હતાં. તેના ભાષણથી શબ્બીર કટ્ટરવાદી બન્યો હતો. આરોપી શબ્બીરની મૌલાના કમરે જ ઐયુબ સાથે મુલાકાત કરાવી હતી. ઐયુબે હત્યાના પ્લાનિંગ માટે શબ્બીરને તૈયાર રહેવા કહ્યું હતું. તેને રાજકોટના થોરડામાં રહેતી એક વ્યક્તિએ હથિયાર પહોંચાડ્યાં હતાં. આ જ હથિયારથી આરોપી શબ્બીરે કિશનની હત્યા કરી હતી.