ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (12:42 IST)

મોડાસાના ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો રોકનારા તમામની ધરપકડ કરવા હાઈકોર્ટનો આદેશ

ઉત્તરગુજરાતમાં મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુસુચિત જાતિનો વરઘોડો રોકવાના કેસમાં હાઇકોર્ટે તમામ આરોપીઓની ધરપકડ કરવા અને ભોગ બનનારને પૂરતું રક્ષણ આપવા આદેશ કર્યો છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરરાજા ઘોડા પર ચઢીને લગ્ન કરવા જતા તેમના પર અન્ય જાતિના ટોળાએ હુમલો કર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. તેમા વરરાજા ઘોડા પરથી નીચે પટકાયા હતા અને ઘોડાનું મોત નિપજ્યું હતું. ટોળાંએ જાતિવાચક અપશબ્દો બોલીને જાન પર પથ્થરમારો કર્યો હતો. 
આ અંગે આરોપીઓએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે તમામ આરોપીની ધરપકડ કરવા આદેશ આપતા આરોપીઓએ આગોતરા જામીન અરજી પરત ખેચી લીધી હતી.અનુસુચિત જાતિના વરરાજાને ઘોડા પર બેઠેલા જોઇને અન્ય જાતિના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો સાથે એટ્રોસિટી એકટનો ભંગ થાય તેવા અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે આઇપીસી એકટ, એનિમલ ક્રુઅલ્ટી એક્ટ અને એટ્રોસિટી એકટ હેઠળ 45 લોકો સામે ગુનો નોંધ્યો હતો. 
જ્યારે 150 લોકો સામે અસામાજિક તત્ત્વો વિરુદ્ધ અન્ય ગુનાની ફરિયાદ નોંધી હતી. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે, દલિત સમાજ માટે શિક્ષણ, રોજગાર સહિતની ઘણી યોજના છે,પણ અત્યારે દલિતોને રક્ષણની જરૂર છે. પરમારે કહ્યું હતું કે, રાજ્યના 32 ગામમાં હજુ પણ દલિત પરિવારોને પોલીસ રક્ષણ હેઠળ જીવવું પડે છે. દલિતો સાથે બેસીને ભોજન લેવાનું ગૌરવ લેવા કરતા આભડછેટ દૂર કરવા સરકાર પ્રયત્નશીલ નથી.