શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 24 જુલાઈ 2019 (12:51 IST)

રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ અને સલામતીને લઇ ગુજરાત રોજગારી પુરી પાડવામાં દેશમાં પ્રથમ ક્રમે

ગાંધીનગર: રાજ્યના ઔદ્યોગિક અને સર્વાંગી વિકાસમાં ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ પુરુ પાડવામાં શ્રમ અને રોજગારનું મહત્વપૂર્ણ પ્રદાન છે. તેને લઇ ૨૦૧૮-૧૯માં રાજ્યની રોજગાર કચેરીઓ ધ્વારા ૧૦૧૪ રોજગારી ભરતી મેળા ધ્વારા ૩,૬૭,૦૫૪ ઉદેમદારોને રોજગારી પુરી પાડવામાં આવી છે તેમજ છેલ્લા ૧૦ વર્ષમાં ૯૪૮૦ ભરતીમેળા યોજીને ૧૬,૧૯,૬૭૮ યુવાનોને ખાનગી ક્ષેત્રોમાં રોજગારી આપવામાં આવી હોવાનું શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું. 
 
શ્રમ અને રોજગાર વિભાગની નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ ની રૂ.૧૪૭૧/- કરોડના બજેટ માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા શ્રમ મંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રમ અને રોજગાર વિભાગ ધ્વારા રાષ્ટ્રના નાગરિકોને કાર્યકુશળ એવા યુવાનોને ગૌરવપૂર્ણ રોજગારીની તકો ઉભી કરવી તે અમારી પ્રાથમિક જવાબદારી છે.  તેને લઇ ટેકનોલોજીના વિકાસ સાથે અને વર્તમાન માંગ મુજબ અદ્યતન અભ્યાસક્રમો તૈયાર કરી અસરકારક રીતે તાલીમાર્થીઓ સુધી પહોચાડવાનું કામ શ્રમ અને રોજગાર વિભાગ કરી રહ્યો છે.
 
દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ દરેક યુવાનને કામ અને રોજગારી મળે તે માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ધ્વારા ફ્લેગશીપ યોજના શરૂ કરી છે. ૧૦૦ ટકા કેન્દ્રિય પુરસ્કૃત આ યોજનામાં વર્ષ ૨૦૨૦ સુધીમાં ગુજરાત રાજ્યના ૬૪૨૦૫ યુવાનોને કૌશલ્ય બધ્ધ કરાશે. આ માટે રૂ.૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૦૨ થી રોજગારી પુરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. રોજગાર વાંચ્છુઓને રોજગારી પુરી પાડવાની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યુ કે,  વર્ષ ૨૦૧૮-૧૯ માં રાજયની રોજગાર કચેરીઓ દ્વારા કુલ ૩,૬૭,૦૫૪ ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે. આ ઉમેદવારોમાં મહિલાઓ ૪૯,૩૫૮ છે. જે પૈકી ૧૦૧૪ રોજગાર ભરતીમેળાઓના આયોજન થકી ૨,૨૯,૮૭૯ ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલ છે. આ ભરતીમેળાનો ખર્ચ રૂ.૨,૬૪,૦૮,૮૯૩ (અંકે રૂપિયા બે કરોડ ચોસઠ લાખ આઠ હજાર આઠસો ત્રાણું) થયેલ છે. રાજય સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં ૯૪૮૦ ભરતીમેળા યોજીને ૧૬,૧૯,૬૭૮ યુવાનોને ખાનગી ક્ષેત્રોમાં રોજગારી આપવામાં આવી છે. આ માટે રૂ.૧૧ કરોડ ૩૧ લાખનો ખર્ચ થયો છે. 
 
ટેકનોલોજીના વિકાસ અને અધ્યતન માંગ માટે વ્યવસાયિક તાલીમ માટે ૭૭ એન.સી.વી.ટી. અને ૫૩ જી.સી.વી.ટી.ના અભ્યાસક્રમ અમલી બનાવી આપણા યુવાનો રાષ્ટ્રીય કક્ષાની તાલીમ ઘર આંગણે લઇ શકે તેવુ આયોજન કરાયુ છે. સાથો સાથ ૨૧મી સદિમાં ગુનાઓના પ્રકાર બદલાયા છે ત્યારે સીકાગો યુનિવર્સિટી યુ.એસ.એ. ના સંયોગથી ૨૪૦ ટ્રેનરને સાયબર સીક્યોરીટીની તાલીમ આપવામાં આવી છે.
 
કારીગર તાલીમ યોજના અંતર્ગત છેલ્લા દસ વર્ષમાં શ્રમ અને રોજગાર વિભાગે ૧૪૦ સરકારી આઇટીઆઇઓ અને આશરે ૮૪,૫૧૨ બેઠકોનો વધારો કરેલ છે જેના કારણે હાલમાં ૨૮૭ સરકારી આઇટીઆઇઓમાં કુલ ૧,૪૯,૮૩૨ બેઠકોની ક્ષમતા વધારી સ્કીલ ડેવલપમેન્ટ મિશનને સફળ બનાવવા આ સરકાર કટીબધ્ધ છે.
 
દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોની કલ્યાણ પ્રવૃત્તિઓ માટે રૂ.૧૬,૮૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. મકાનબાંધકામ તથા અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોને કામના સ્થળે અથવા કડીયા નાકા ઉપર રાહત દરે પૈષ્ટિકભોજન માત્ર ૧૦ રૂપિયામાં આપવાની શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં ૯૮.૭૩ લાખને ભોજન કરાવવામાં આવ્યુ છે. આ માટે ચાલુ વર્ષ ૨૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બાંધકામ શ્રમિકોના બાળકોને સ્થળાંતર વાળા જિલ્લાઓમાં શિક્ષણ માટેની હોસ્ટેલ યોજના માટે રૂ.૧૦ કરોડ તેમજ બાંધકામ સાઇડ પર ધનવંતરી આરોગ્ય રથ, મોબાઇલ વાન ધ્વારા ૧૧,૬૪,૦૬૧ બાંધકામ શ્રમિકોની આરોગ્ય તપાસ કરી પ્રાથમિક સારવાર અને દવાઓ વિના મુલ્યે પુરી પાડવામાં આવી છે.
 
ઔદ્યોગિક વિકાસના ગ્રોથ એન્જીન એવા ગુજરાતમાં ૭૦૦૦ જેટલા કેમિકલ કારખાનાઓમાં કામ કરતા ૩.૫૦ લાખથી વધુ શ્રમિકોની આ સરકારે  ચિંતા કરી છે અને તેમના આરોગ્ય માટે સેફટી એન્ડ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ એન્વાયરમેન્ટ ટેસ્ટિંગ (સચેત) યોજના માટે ચાલુ વર્ષે રૂ.૧૫ કરોડની જોગવાઇ કરી છે જેના ધ્વારા ગંભીર રોગોની ચકાસણી ૨૬ મોબાઇલ લેબોરેટરીથી થશે.
 
દિલીપ ઠાકોરે એમ પણ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આશરે ૬૮.૩૯ લાખ જેટલા અસંગઠિત ગ્રામિણ અને શહેરી શ્રમયોગીઓના અકસ્માતના અવસાનના કિસ્સાઓમાં કુટુંબીજનોને સામાજિક સુરક્ષા કવચ આપવામાં આવે છે. આ અંગે ગત વર્ષે ૩૭૭ લાભાર્થીઓને રૂ.૩૭૭ લાખનું ચુકવણું વીમા નિયામક ધ્વારા કરવામાં આવ્યુ હતુ. ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ માં કુલ રૂ.૧૩૭૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ રૂ.૯ (નવ) કરોડનું પ્રિમિયમ સદર વર્ષ માટે વીમા નિયામકને ભરવામાં આવેલ છે. શ્રમઅને રોજગાર વિભાગની જોગવાઇઓ સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.
 
શ્રમ અને રોજગાર વિભાગની મહત્વની જોગવાઇઓ
- પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના માટે રૂ.૪૦ કરોડની જોગવાઇ
- મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના માટે રાજય સરકાર દ્વારા રૂ.૭૮.૨૩ કરોડની જોગવાઇ
- ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં નવીન ટેકનોલોજી આધારિત મશીનરી/ સાધનોની ખરીદી માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ. 
- ભરતીમેળાઓનું આયોજન કરવા માટે રૂ.૩.૭૬ કરોડની જોગવાઇ
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રૂ.૧૬,૮૦૦ લાખની જોગવાઇ
- શ્રમિકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ભોજન પુરુ પાડવા માટે કુલ રૂ.૨૫ કરોડની જોગવાઇ
- બાંધકામ શ્રમિકોના શિક્ષણ માટે રૂ.૨૦૦૦ લાખની નાણાંકીય જોગવાઇ