ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (12:23 IST)

મોદી સાહેબ લોકસભામાં ગુજરાતને સાચવવા એપ્રિલ સુધીમાં આખું ગુજરાત ફરી વળશે

લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ વડાપ્રધાન મોદી પોતાના ગૃહ રાજ્યમાં અનેક સભાઓને સંબોધન કરશે. સાથે વડાપ્રધાન અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને ખાતમુહૂર્ત પણ કરશે. ગુજરાતમાં ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી હતી અને આ વખતે પણ ભાજપ આ સિલસિલો જાળવી રાખવા માંગે છે. અને તે માટે જ આખો એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે.
છેલ્લા 1 મહિનામાં વડાપ્રધાન મોદી 3 વાર ગુજરાત આવી ચુક્યા છે. અને હવે 28 ફેબ્રુઆરીએ તેઓ ફરી ગુજરાત આવી રહ્યા છે. જેમાં તેઓ અનેક પ્રોજેક્ટ ખુલ્લા મુકશે સાથે નવી બંધાયેલી સિવિલ હૉસ્પિટલના કેમ્પસનું પણ ઉદ્ધાટન કરશે. વાઈબ્રન્ટ ગુજરાત સમયે થયેલા MOUમાંથી કેટલીક યોજનાઓનું ભૂમિપૂજન પણ કરશે.
આ પછી વડાપ્રધાન મોદી 4 અને 5 માર્ચે ગુજરાત આવશે. જ્યારે તેઓ અમદાવાદમાં એક હજાર કરોડના ખર્ચે બનનારા ઉમિયાધામ કેમ્પસનું ભૂમિપૂજન કરશે. પાંચમી માર્ચે તેઓ સૌરાષ્ટ્રની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. સાથે રાજકોટના નવા એરપોર્ટ સહિતના પ્રોજેક્ટોનો શિલાન્યાસ પણ કરી શકે છે.ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી એપ્રિલ સુધીમાં અનેક મુલાકાતો કરશે. સાથે ભાજપ એવા પણ પ્રયાસો કરી રહ્યું છે કે તેઓ 20 જેટલી સભાઓ કરે અને તમામ 26 બેઠકોને આવરી લે.