રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 એપ્રિલ 2020 (16:19 IST)

અમદાવાદમાં એક જ પરિવારના 6 લોકો કોરોના પોઝિટીવ, કોરોના વાયરસનું સંક્રમણ હવે લોકલ સ્તરે પહોંચ્યું

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો દિવસેને દિવસે વધતો જાય છે. રાજ્યમાં આજે નવા 45 કેસ નોંધાયા છે અને કુલ આંકડો 617 પર પહોંચ્યો છે. જેમાં 31 કેસ અમદાવાદ શહેરના છે. તેમાંથી શહેરના 25 કેસો તો હોટસ્પોટ વિસ્તારોમાં નોંધાયા છે. જ્યારે બીજા 6 કેસ શહેરના નવા એરિયામાં નોંધાયા છે. એટલે કે એવું કહી શકાય કે કોરોના વાયરસનું સંક્રમણ હવે લોકલ સ્તરે પહોંચી ગયું છે. આજે નોંધાયેલા કેસોમાં એક મોટો વિસ્ફોટ થયો છે એટલે કે નવરંગપુરા વિસ્તારમાં એક જ પરિવારના 6 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે.
 
અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં અત્યાર સુધી નોંધાયેલા દર્દીઓની વાત કરીએ તો, દાણીલીમડાના સફી મંઝીલમાં રહેતી એક વર્ષની બાળકીને પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. આ સિવાય માણેકચોકમાં એક 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટીવ છે. આ સાથે દાણીલીમડામાં અત્યાર સુધીના કેસ 11, નવરંગપુરામાં 7, માણેકચોકમાં 5, દરિયાપુર અને વટવામાં 3-3, આંબાવાડી અને બહેરામપુરામાં 1-1 કેસ પોઝિટીવ આવ્યા છે.
 
આજે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સહકાર નિલકંઠ સોસાયટીમાં રહેતા એક જ પરિવારમાં 8 વર્ષની બાળકી સહિત 6 સભ્યોનો કેસો પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. નવરંગપુરામાં એક જ પરિવારનો કેસ સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પરિવારના કોન્ટ્રેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી છે. જ્યારે દાણીલીમડાના સફી મંઝીલમાં રબિયા એપાર્ટમેન્ટમાંથી 9 કેસ નોંધાયા છે. દાણીલીમડાના સફી મંઝીલ વિસ્તાર હાલમાં કોરોન્ટાઈન હેઠળ છે.
 
લોકડાઉનના નિયમનો ભંગ કરનાર લોકોની વાત કરીએ તો તેમાં 20 દિવસમાં 3426 કેસમાં 8791 લોકો પકડાયા છે, જેમના પર વિવિધ ગુનામાં સૌથી વધુ કેસ જાહેરનામા ભંગના, સંખ્યાબંધ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.