રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2017 (12:11 IST)

ચૂંટણી પહેલા સાધુ-સંતોનું મોટું સંમેલન યોજાવાની શક્યતા - અમિત શાહે સંતોની મુલાકાત લીધી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અત્યારે ત્રણ મહિનાનાં દેશભ્રમણ માટે વિવિધ રાજ્યોમાં ફરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓ એકાએક જ કોઇ કાર્યક્રમ કે આયોજન નહીં હોવા છતાં ગુરૃવારે ખાસ વિમાન દ્વારા અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી સીધા પોતાના થલતેજ સ્થિત બંગલે પહોંચ્યા હતા. જ્યાં કેટલાક નામી અને મોટા સાધુ સંતો સાથે બેઠક કરી હતી. તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાના આશિર્વાદ મેળવ્યા હતા. આધારભૂત સૂત્રો જણાવે છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે આવવાના છે તેની ભાગ્યે જ કોઇને ખબર હતી.

સરકારનાં સીનિયર મંત્રીઓ અને સંગઠનનાં મોટા નેતાઓ પણ તેમના આગમનથી અજાણ હતા. હાલમાં કોઇ સત્તાવાર કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેવાના નથી. ભાજપનાં સૂત્રો અમિતભાઇની મુલાકાતને રાબેતા મુજબ 'પારિવારીક' ગણાવી રહ્યા છે. દરમિયાનમાં જાણવા મળે છે કે ભાજપના સંસદ સભ્ય મહેશ ગીરી અમિત શાહના બંગલે પહોંચી ગયા હતા. તેમની સાથે કેટલાક સાધુ સંતો પણ હતા. જેમાં જૂનાગઢના ભારતી બાપુ, સ્વામી પ્રરમાત્માનંદજી, સ્વામી અવધેશાનંદજી, સ્વામી નિર્મળાનંદજી વગેરેનો સમાવેશ થાય છે. ભારતી બાપુએ અમિત શાથ સાથેની આ મુલાકાતમાં એવી લાગણી વ્યક્ત કરી હતી કે, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે. લોકોમાં તેમની છબી સારી છે. તેઓ ઝડપથી લોકહિતના નિર્ણયો લઇ રહ્યા છે. તેમને કોઇ મોહ કે લોભ-લાલસા નથી. ગુજરાતમાં પણ આ પ્રકારનાં સાધુ-સંતો છે જ. સત્તા પચાવી શકે તેવા સાધુ-સંતોને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ મળે તો લોકોની વધુ સારી રીતે સેવા થઇ શકશે. આજ રીતે અન્ય સાધુ-સંતોએ પણ અમિત શાહ સાથે ખુલ્લા મને વાતચીત કરી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષે પણ અંગે તુરંત હા કે ના નથી કહી, પરંતુ સકારાત્મક હોવાની ખાતરી આપી છે. અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે સ્વામી પ્રરમાત્માનંદજીએ અમદાવાદમાં સાધુ - સંતોનું એક સંમેલન યોજ્યું હતું. આગામી ચૂંટણી પહેલા આવું કોઇ મોટું સમેલન યોજવામાં આવે એવી શક્યતા છે.