બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જુલાઈ 2017 (12:24 IST)

મહેસાણામાં રેલવે ટ્રેક ધોવાતા ૧૨ કલાક સુધી રેલ વ્યવહાર ખોરવાયો

ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે  મહેસાણા ઉંઝા રેલવે સેક્શનમાં ભારે વરસાદથી રેલવે ટ્રેક ધોવાઇ જતા ૧૨ કલાક સુધી રેલ વ્યવહાર ખોરવાઇ ગયો હતો. શનિવારે રાત્રે ૧૦ વાગ્યે રેલવે ટ્રેક નીચેથી માટી ધોવાઇ જતા પાંચ ટ્રેનોને રદ કરવાની, ૧૩ ટ્રેનોને ડાઇવર્ટ કરવાની અને ૭ ટ્રેનોને રિશિડયુલ કરવાની ફરજ પડી હતી. બિકાનેર-બાન્દ્રા અને આશ્રમ એક્સપ્રેસને છાપી અને ધારેવાડા પાસે સતત ૧૨ કલાક સુધી રોકી રખાઇ હતી. રવિવારે સવારે રેલવે ટ્રેકનું મરામતનું કામ પૂર્ણ કરાતા સવારે ૧૦ઃ૧૫ કલાકે રેલ વ્યવહાર પૂર્વવત થવા પામ્યો હતો. છેલ્લા બે દિવસથી અવિરત વરસતા વરસાદના કારણે જનજીવન ભારે પ્રભાવિત થવા લાગ્યું છે. જેની અસર રેલ સેવ પર પણ પડી રહી છે.

ગઇકાલે રાત્રે ૧૦ વાગ્યે મહેસાણા-ઉંઝા રેલ સેક્શન પર વરસાદના કારણે રેલવે ટ્રેક ધોવાઇ જવાનો બનાવ બનતા જ રેલવે તંત્રમાં અફડાતફડી મચી ગઇ હતી. જેને લઇને આ રૃટ પરનો સંપૂર્ણ રેલ વ્યવહાર રોકી દેવાયો હતો. જેને લઇને હજારો મુસાફરોએ હાલાકી ભોગવવી પડી હતી. અમદાવાદથી શનિવારની મોડી સાંજે ૬ઃ૩૦ કલાકે ઉપડેલી ૧૨૯૧૫ નંબરની અમદાવાદથી દિલ્હી જતી દૈનિક ટ્રેન આશ્રમ એક્સપ્રેસને ઘારવાડા પાસે રાત્રે ૮ઃ૩૦ કલાકે રોકી રાખવામાં આવી હતી. જેને રવિવારે સવારે ૧૦ઃ૧૫ કલાકે રવાના કરાઇ હતી. જ્યારે બિકાનેરથી-બાન્દ્રા જતી રનકપુર એક્સપ્રેસને છાપી પાસે રાત્રે ૯ઃ૩૦ કલાકે રોકી રખાઇ હતી.  જેને લઇને આ બંને ટ્રેનોના મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સતત ૧૨ કલાક જેટલા સમય માટે એક જ જગ્યાએ રોકી રખાતા રેલવે તંત્રએ પણ રેલવેના એન્જીન દોડાવીને મુસાફરો માટેેે ચા, પીવાના પાણી તેમજ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા. આ અંગે અમદાવાદ ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ રેલવે ટ્રેક નીચેની માટી વરસાદી પાણીના કારણે ધોવાઇ જતા આ સ્થિતિ સર્જાઇ હતી. રેલવે તંત્રએ તાબડતોડ મરામત કામ હાથ ધરીને ટ્રેકનું રિપેરીંગ કામ કરી દીધુ હતું. રવિવારે સવારે ૧૦ઃ૧૫ કલાકથી આ રૃટ પરનો રેલ વ્યવહાર પૂર્વવત થઇ ગયો છે.